ભરુચઃ લોકસભા ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. રાજકારણના દિગ્ગજ ખેલાડીઓ પોતાના પક્ષના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભરુચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા માટે પ્રચાર દરમિયાન જંગી જનસભાને સંબોધન કર્યુ હતું. તેમણે મનસુખ વસાવાને મત આપવા અપીલ કરી હતી તેમજ કોંગ્રેસ અને ઈન્ડિયા અલાયન્સ પર આકરા વાકપ્રહાર કર્યા હતા.
અર્બન નકસલથી સાવધાન રહોઃ અમિત શાહે ભરુચના રાજપારડીમાં લોકસભાને સંબોધન દરમિયાન મનસુખ વસાવા જેવો જન પ્રતિનિધિ નહિ મળે જો કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે અને સમગ્ર આદિવાસી ક્ષેત્રને તહસનહસ કરી નાંખશે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં. નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર છે.
મનસુખ વસાવાને પ્રચારની જરુર નથીઃ અમિત શાહે મહિલાઓ, બહેનોને વંદન કરી યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા. તેમણે મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું. તેમણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ 2014નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું. જેમાં મોદીજીએ આદિવાસી, દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું.
કોંગ્રેસ પર વાકપ્રહારઃ અમિત શાહે આ સંબોધનમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીરમાંથી આપણે 370 કલમ હટાવી દીધી ત્યાં કોંગ્રેસ પોતાની વોટબેન્ક માટે 70 વર્ષથી દત્તક છોકરાની જેમ તેને રમાડી રહી હતી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું પરંતુ કોંગ્રેસ તેની વોટબેન્ક સાચવવા દૂર રહી હતી. ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ના જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો. સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટો અંગે માહિતી આપી 7મી વખત પણ મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજયી બનાવવા હાંકલ કરી હતી.