આણંદઃ આજે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે આણંદ નગર પાલિકા વિસ્તારમાં ચૂંટણી રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં કાર અને બાઈક લઈ સમર્થકો ઉમટી પડ્યા હતા. આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજિત 4 કલાક સુધી આ રેલી ફરી હતી.
ભાજપ અગ્રણીઓ જોડાયાઃ આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં યોજાયેલ રેલીમાં ભાજપ અગ્રણીઓ પણ જોડાયા હતા. જેમાં આણંદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ નગર પાલિકાના પ્રમુખ જીગ્નેશ પટેલ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને મંડળના પ્રમુખો પણ જોડાયા હતા.
કોંગ્રેસના અમિત ચાવડા સાથે ટક્કરઃ આણંદ લોકસભા બેઠક પર મિતેશ પટેલને ભાજપે બીજી વાર તક આપી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખની જવાબદારી નિભાવી ચૂકેલા યુવા નેતા અમિત ચાવડાને આણંદથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે પ્રમાણે રૂપાલા વિવાદ બાદ આણંદ જિલ્લામાં નિર્ણાયક ભૂમિકામાં રહેતા ક્ષત્રિય મતદારોની પણ ક્યાંકને ક્યાંક નારાજગી સામે આવી છે તેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ પ્રકારના ચૂંટણી પ્રચારની પદ્ધતિ અપનાવી હોય તેવુ જોવા મળી રહ્યું છે. તેથી મિતેશ પટેલે આણંદ નગર પાલિકા વિસ્તારમાં ચૂંટણી રેલી યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં કાર અને બાઈક લઈ સમર્થકો ઉમટી પડ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો જન આવકાર મળી રહ્યો છે. કેન્દ્રની યોજનાઓથી લોકોને મળેલા લાભને મતમાં પરિવર્તિત થવાનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે. બીજી તરફે આણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાયેલી જાહેર સભા બાદ તમામ લોકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે...મિતેશ પટેલ(આણંદ લોકસભા બેઠક, ભાજપ ઉમેદવાર)