ગાંધીનગરઃ ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહને બનાવ્યા છે. અમિત શાહે પોતાનું નામાંકન ભર્યુ છે સાથે એફિડેવિટ પણ રજૂ કરી છે. જેમાં તેમણે કુલ સંપત્તિ 65.67 કરોડની અને હાથ પર રોકડા માત્ર 59,000 દર્શાવ્યા છે. 65.67 કરોડમાંથી અમિત શાહ પાસે 36.65 કરોડ અને તેમના પત્ની સોનલબેન પાસે 29.1 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યુ છે.
2022-23ની વાર્ષિક આવક 75.9 લાખઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રજૂ કરેલ એફિડેવિટમાં તેમણે મિલકતના વિવિધ વિવરણ દર્શાવ્યા છે. જેમાં તેમનું 20.1 કરોડનું રોકાણ શેરબજારમાં છે. તેમની પર 15.77 લાખ અને પત્ની સોનલબેન પર 26.32 લાખનો લોનનો બોજો છે. 59 વર્ષીય અમિત શાહ અમદાવાદના થલતેજ વિસ્તારમાં સુદીપ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. અમિતભાઈની 2022-23ની વાર્ષિક આવક રૂપિયા 75.9 લાખ છે જ્યારે તેમના પત્ની સોનલબેન ની 2022-23 ની વાર્ષિક આવક 39.54 લાખ છે.
પશ્ચિમ બંગાળમાં પોલીસ ફરિયાદ પેન્ડિંગઃ અમિત શાહ પર પશ્ચિમ બંગાળ કાઠી મ્યુનિસિપાલિટી મીટિંગમાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ કોન્ટાઈ પોલીસ મથકમાં ફરિયાદ પેન્ડિંગ છે. તેમજ અભિષેક બેનર્જીએ કલકત્તા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી બદનક્ષીને ફરિયાદ પણ પેન્ડિંગ છે. 2015 વિધાનસભા ચૂંટણી દરમિયાન બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવને "ચારા ચોર" કહેવા બદલ તેમની વિરુદ્ધ બેગુસરાઈ જિલ્લામાં નયાગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હોવાનો એફિડેવીટમાં ઉલ્લેખ છે. તેમને એક પણ કેસમાં ગુનેગાર ઠેરવવામાં આવ્યા નથી.
જંગમ મિલકત મામલે સોનલબેન આગળઃ અમિત શાહ પાસે 20.33 કરોડની જંગમ મિલકત છે. જ્યારે તેમના પત્ની સોનલબેન પાસે 22.46 કરોડની જંગમ મિલકત છે. શાહ દંપતી પાસે કુલ 42.80 કરોડની જંગમ મિલકત છે. અમિત શાહ અને તેમના પત્ની પાસે વિવિધ બેંક ખાતાઓમાં 3.03 કરોડ થાપણો છે. અમિતભાઈએ વિવિધ વીમા પોલિસી અને બચત યોજનામાં 21.84 લાખ અને પત્નીએ 22.65 લાખનું રોકાણ કર્યું છે. શાહ દંપતિ પાસે અંદાજિત 20.1 કરોડના વિવિધ કંપનીઓના શેર અને રોકાણ છે. અમિતભાઈ પાસે રૂ.72.87 લાખ મૂલ્યના વારસાગત 770 ગ્રામ સોનાના, 7 કેરેટ હીરાના દાગીના, 25 કિગ્રા ચાંદી અને સ્વ ઉપાર્જિત 160 ગ્રામ સોનાના દાગીના છે. જ્યારે તેમના પત્ની પાસે રૂ.1.10 કરોડ મૂલ્યના 1620 ગ્રામ સોનાના અને 63 કેરેટ હીરાના દાગીના છે.
સ્થાવર મિલકતઃ જ્યારે સ્થાવર મિલકતની વાત કરવામાં આવે તો અમિતભાઈ અને સોનલબેનના નામે વડનગર તાલુકાના કરબટીયા ગામે કૃષિની જમીન, દસક્રોઈ તાલુકાના લાલપુર ગામે કૃષિની જમીન, દસક્રોઈ તાલુકામાં શીલજ ખાતે પ્લોટ, ગાંધીનગર જિલ્લામાં માણસા ખાતે પ્લોટ અને અમદાવાદમાં આવેલી વિવિધ એપાર્ટમેન્ટ અને મકાન સહિત મિલકતનું કુલ બજાર મૂલ્ય અંદાજિત 22.86 કરોડ થાય છે. અમિતભાઈ પર 15.77 લાખ અને સોનલબેન પર 26.23 લાખની વ્યક્તિગત લોનની જવાબદારીઓ પણ છે. અમિતભાઈએ પોતાની આવકના સ્ત્રોત તરીકે સાંસદ પગાર, ભાડાની આવક, ખેતીની આવક અને શેરબજારના રોકાણ પર ડિવિડન્ડની આવક દર્શાવી છે. જ્યારે તેમના પત્નીને પણ ભાડાની, ખેતીની અને શેર બજારની આવક છે.
એસવાય બીએસસી સુધી અભ્યાસઃ અમિતભાઈના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે માર્ચ 1979માં નવરંગપુરા નવરંગ માધ્યમિક શાળામાંથી ધોરણ 10 પાસ કર્યુ હતું. ઘીકાટા જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી ધોરણ 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. જ્યારે તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગુજરાત કોલેજમાંથી એસવાય બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે.
એફિડેવિટ વેબસાઈટ પર અપલોડ કરવી ફરજિયાતઃ કંડક્ટ ઓફ રુલ્સ-1961ની જોગવાઈઓ પ્રમાણે, ઉમેદવારે ફોર્મ-26ને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, પબ્લિક નોટરી કે હાઈકોર્ટ દ્વારા નીમવામાં આવેલા કમિશનર ઓફ ઓથ સમક્ષ સોગંધનામા ઉપર જાહેર કરવાનું હોય છે. સપ્ટેમ્બર-2013માં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે, ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ અંગે માહિતી મેળવવીએ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. જો કોઈ ઉમેદવાર તેના સોગંદનામામાં કોઈ ખાનું ખાલી મૂકે કે વિગત ન આપે તો ચૂંટણી પંચ તેને ગેરલાયક ઠેરવી શકે છે. ઉમેદવાર 'ટીકમાર્ક' કે માત્ર 'ડેશમાર્ક' પણ ન કરી શકે. ઉમેદવારે 'કંઈ નહીં', 'જાણ નહીં' કે 'લાગુ નહીં' એમ સ્પષ્ટપણે જણાવવાનું રહે છે. જો ઉમદેવારથી કોઈ વિગત છૂટી ગઈ હોય તો રિટર્નિંગ ઓફિસર ખૂટતી વિગતો આપવા માટે ઉમેદવારને જણાવી શકે છે. ઉમેદવારીના 24 કલાકની અંદર એફિડેવિટને ચૂંટણી પંચની વેબસાઈટ ઉપર અપલોડ કરવાની રહે છે, જો ઉમેદવાર તેનું ફોર્મ પાછું ખેંચે તો પણ તેની એફિડેવિટ વેબસાઈટ પર રાખવામાં આવે છે.