અમદાવાદ: ગુજરાતની 26 બેઠકો માટે 3 તબક્કામાં મતદાન યોજાશે. અમદાવાદની પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ કલેકટર કચેરી પહોંચીને વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું. નામાંકન ભરતા પહેલા દિનેશ મકવાણાએ મધ્યસ્થ કાર્યાલય મણિનગર ખાતે પહોચીને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં લોકસભા ચૂંટણી સંયોજક આઈ.કે જાડેજા અને ધારાસભ્ય અને પૂર્વ ઉમેદવાર કિરીટ સોલંકી હાજર રહ્યા હતાં.
મોટી રેલી કાઢીને ઉમેદવારી ભરવા પહોચ્યા હતા. ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજરોજ ઉમેદવારોના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારોએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરી પોતાની તાકાત બતાવી હતી. અમદાવાદમાં પણ આજે ફોર્મ ભરવાનું ખાતું ખુલ્યું હતું. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા જંગી સમર્થકો અને આગેવાનોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા પછી દિનેશ મકવાણે ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં જોરશોરમાં ચાલી રહી છે. તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. તમામ ઉમેદવારો એક પછી એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યાં છે. ગુજરાતની જનતાની જેના પર મીટ મંડાઈ છે, તેવી રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ સાથે અમદાવાદના કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અલગ-અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો એકબાદ એક ઉમેદવારી નોંધાવી રહ્યાં છે.