વલસાડઃ ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. મતદાન સલામત અને સુચારુ રીતે થાય તે માટે દરેક જિલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કમર કસી રહ્યા છે. 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 2006 મતદાન મથકો પર કુલ 18,48,211 જેટલા મતદાતાઓ મતદાન કરશે. મતદાન સંદર્ભે વલસાડ વહીવટી તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
કુલ 18,48,211 મતદાતાઓઃ 26 વલસાડ ડાંગ લોકસભા બેઠક પર 7 મેના રોજ કુલ 18,48,211 જેટલા મતદાતાઓ મતદાન કરશે. આ બેઠક પર કુલ 2006 મતદાન મથકો પર મતદાન થવાનું છે. જે માટેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી 2506 બેલેટ યુનિટ અને 256 જેટલા કંટ્રોલ યુનિટ એલોટ કરી દેવામાં આવ્યા છે.
હીટવેવ સંદર્ભે તૈયારીઓઃ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ત્રણ દિવસ માટે હીટવેવની આગાહી કરી છે. જે સંદર્ભે 2006 જેટલા મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ મેડિકલ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ લોકોને ગરમીમાં બહાર જવાનું થાય તો માથે ઓઢી બહાર નીકળવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.
480 સંવેદનશીલ મતદાન મથકોઃ જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર કુલ 2006 જેટલા મતદાન મથકો છે. જે પૈકી 480 જેટલા મતદાન મથકો સંવેદનશીલ નોંધાયા છે. જેમની સુરક્ષા માટે સીઆરપીએફની ટુકડીઓ અને વિવિધ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે આવશે. વલસાડ જિલ્લાની છ વિધાનસભા બેઠકો ઉપર નક્કી કરવામાં આવેલા આ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી 10,000 થી વધુ પોલિંગ સ્ટાફ દ્વારા વિવિધ અને કંટ્રોલ યુનિટ સાથે ડિસ્પેચિંગ સેન્ટરથી તમામ સાધનો ડિસ્પેચ કરવામાં આવ્યા છે જે મોડી સાંજ સુધી 2006 જેટલા મતદાન મથકો પર કર્મચારીઓ પહોંચી જશે.
5000થી વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગેઃ 26 વલસાડ-ડાંગ લોકસભા બેઠક ઉપર મતદારો નિર્ભિક રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. ચૂંટણી ફરજ દરમિયાન પોલિંગ સ્ટાફમાં 3,842 જ્યારે સીઆરપીએફ માં 185 તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ મળી કુલ 5680 જેટલા પોલીસ કર્મચારીઓ ચૂંટણી ફરજ દરમિયાન ફરજ બજાવશે.