સુરત: અંગ્રેજો દ્વારા નાખવામાં આવેલા આકરા વેરા સામે સરદાર પટેલ દ્વારા ચલાવવામાં આવેલી ના-કરની લડતને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત બારડોલી રાજકીય દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. દક્ષિણ ગુજરાતની મહત્વની લોકસભા બેઠકમાં સ્થાન પામનાર બારડોલી અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠક છે. આ બેઠક 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી તે પહેલા તે માંડવી લોકસભા તરીકે ઓળખાતી હતી. આ બેઠકમાં સુરત અને તાપી જિલ્લા ઉપરાંત સુરત શહેરના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે.
સહકારી સંસ્થાઓ પર પણ ભાજપનો કબ્જોઃ બારડોલી વિસ્તારમાં સહકારી ક્ષેત્રનો વિકાસ વધુ જોવા મળે છે. અહીંના રાજકારણમાં સહકારિતાનો પ્રભાવ રહેલો છે. બારડોલી લોકસભા વિસ્તારમાં 6 જેટલી મહત્વની સહકારી સુગર મિલો કાર્યરત છે. આ ઉપરાંત સુરતની સુમુલ ડેરી અને સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના કાર્યનો મોટો વિસ્તાર આ બેઠક હેઠળ આવે છે. પહેલા કોંગ્રેસના તાબા હેઠળ ગણાતી તમામ સહકારી સંસ્થાઓ ધીમે ધીમે ભાજપના કબ્જામાં આવી જતાં હવે લગભગ કોંગ્રેસનું લગભગ નામોનિશાન મટી રહ્યું છે. હાલમાં સુમુલ ડેરી હોય કે સુગર મિલો તમામ પર ભાજપના નેતાઓનો કબ્જો રહેલો છે. જેથી ભાજપનો પ્રભાવ ખેડૂતો અને મંડળીના સભાસદોને અસર કરી શકે છે.
35 ટકાથી વધુ મતદારો આદિવાસીઃ આ બેઠક આદિવાસી બહુમતી ધરાવે છે. અંદાજિત 35 ટકા જેટલા મતદારો આદિવાસી છે. જેમાં પણ ખાસ કરીને ચૌધરી અને હળપતિ મતદારોનું પ્રભુત્વ રહેલું છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાં ગામિત, વસાવા અને ધોડિયા પટેલ મતદારો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હાલમાં બારડોલી લોકસભા અંતર્ગત આવતી તમામ 7 વિધાનસભા બેઠકો ભાજપના કબ્જામાં છે. તાપી જિલ્લાની 2 બેઠકો નિઝર અને વ્યારા ઉપરાંત સુરત જિલ્લાની માંડવી બેઠક જે કોંગ્રેસની પરંપરાગત બેઠક માનવામાં આવતી હતી તે પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આંચકી લેતા હાલ લોકસભા અંતર્ગત આવતી તમામ બેઠકો ભાજપના કબ્જામાં છે.
2 ટર્મથી ભાજપનો દબદબોઃ માંડવી બેઠક બારડોલીમાં પરિવર્તિત થયા બાદ 2009ની લોકસભા ચૂંટણીમાં માજી મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર અને કોંગી નેતા તુષાર ચૌધરીએ ભાજપના રિતેશ વસાવાને હરાવ્યા હતા. બારડોલી બેઠક પરથી જીત્યા બાદ તુષાર ચૌધરી કેન્દ્રમાં પ્રધાન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા. જો કે ત્યારબાદ 2014ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રભુ વસાવાને ભાજપે ટિકિટ આપી તુષાર ચૌધરી સામે મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં તુષાર ચૌધરીની હાર થઈ હતી. હાલ તુષાર ચૌધરી ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા બેઠક પરથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
કોંગ્રેસની ટકાવારી સતત ઘટીઃ કોંગ્રેસના મતની ટકાવારીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને 47.9 ટકા મત મળ્યા હતા. જેની સામે ભાજપને 40.8 ટકા મત મળ્યા હતા. જો કે ત્યાર બાદ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મતની ટકાવારીમાં વધારો નોંધાયો હતો. ભાજપને 48.5 ટકા તો કોંગ્રેસને 40.1 ટકા મત મળ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની મતની ટકાવારીમાં મોટો ઉછાળો નોંધાયો હતો અને ભાજપને 51.7 ટકા મત મળતા કોંગ્રેસની હાર થઈ હતી. કોંગ્રેસને માત્ર 41.3 ટકા જ મત મળ્યા હતા. ત્યારબાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 45.6 ટકા અને ભાજપને 46.5 ટકા મત મળ્યા હતા. છેલ્લી 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત ભાજપે કૂદકો મારતા તેમની મતની ટકાવારી 56.1 ટકા પર પહોંચી ગઈ હતી. જ્યારે કોંગ્રેસે માત્ર 39.7 ટકાથી જ સંતોષ માનવો પડ્યો હતો. આમ કોંગ્રેસની મતની ટકાવારી સતત ઘટતી જતી હોવાથી આ બેઠક પરથી તેનું પ્રભુત્વ સતત ઘટી રહ્યું છે.
'આપ'ને લીધે 2022માં ભાજપને થયો ફાયદોઃ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 3જા પક્ષ તરીકે આવતા કોંગ્રેસને ભારે નુકસાન થયું હતું. જો કે આમ આદમી પાર્ટીએ લગભગ તમામ 7 વિધાનસભા બેઠક પર સારા એવા મેળવ્યા હતા. આમ આદમી પાર્ટીના આવવાથી તમામ 7 બેઠક કબ્જે કરવામાં ભાજપને સરળતા રહી હતી. કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો 2જા ક્રમે રહ્યા હતા. જ્યારે કોંગ્રેસનો દેખાવ નબળો જોવા મળ્યો હતો. આ વખતે લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટી મેદાનમાં ન હોવાથી તેનો કેવો અને કેટલો ફાયદો કોંગ્રેસને થાય છે તેના પર મતદારો અને રાજકીય વિશ્લેષકોની નજર રહેલી છે.
બારડોલી બેઠકના સાંસદની યાદીઃ વર્ષ 2009માં પહેલી વાર બારડોલી બેઠક પર લોકસભા ચૂંટણી થઈ હતી. જેમાં કોંગ્રેસના ડૉ. તુષાર ચૌધરી વિજેતા થયા હતા. તેમણે ભાજપના રિતેશ ચૌધરીને 58, 930 મતોથી હરાવ્યા હતા. ડૉ. તુષાર ચૌધરીએ ગુજરાતના માજી મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. તેઓ કેન્દ્રમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી તેમજ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ હાલ ઉત્તર ગુજરાતની ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ચૂંટાયા છે. હાલના સાંસદ પ્રભુભાઈ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાતા વર્ષ 2014માં તેમણે ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડી કોંગ્રેસના દિગ્ગજ નેતા ડૉ. તુષાર ચૌધરીને માત આપી હતી. 1,24,895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બાદમાં વર્ષ 2019માં પણ તેમને જ ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પણ 2,15,974 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા.
આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કરઃ બારડોલી બેઠક પર છેલ્લી 2 ટર્મથી ભાજપનું જ પ્રભુત્વ રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આદિવાસી વસ્તી વધુ હોવા છતાં ભાજપ તેમના મતો પર કબ્જો કરવામાં સફળ રહી છે. સતત મતોની ટકાવારી વધી રહી છે. આ વખતે પણ ભાજપે પ્રભુ વસાવાને જ મેદાનમાં ઉતારી જોખમ ટાળ્યું છે. તો કોંગ્રેસે નવા અને યુવા ચહેરા તરીકે સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. પ્રભુ વસાવાનો જનસંપર્ક ખૂબ જ ઓછો હોવાને કારણે તેમનો અંદરોઅંદર ઘણો વિરોધ જોવા મળી રહ્યો છે. તેઓ માંડવીથી બહાર નીકળી જ શક્યા નથી. તેના કારણે મતદારોમાં તેમના પ્રત્યે ભારોભાર રોષ છે. જો કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મત આપતા હોય તેનો સીધો ફાયદો પ્રભુ વસાવાને થઈ રહ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
કુલ મતદારોની સ્થિતિઃ 5મી જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદારયાદી મુજબ બારડોલી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ કુલ સુરત અને તાપી જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર કુલ 20,30,830 મતદારો નોંધાયા છે. જે પૈકી 10,32,104 પુરુષ અને 9,98,705 સ્ત્રી મતદારો તેમજ 21 થર્ડ જેન્ડર્સ મતદારોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ ઉમેદવારઃ સિદ્ધાર્થ ચૌધરી
સિદ્ધાર્થ ચૌધરીએ માજી સાંસદ અને ધારાસભ્ય અમર સિંહ ચૌધરીના પુત્ર છે. તેમણે બી.ઈ. મિકેનિક અને એમ.બી.એ.(માર્કેટિંગ) સુધી અભ્યાસ કર્યો છે. તેમણે રાજકારણની સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ ખેડાણ કરેલ છે. તેઓ 2018-2020 સુધી વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. 2010-2015 સુધી તાપી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત હાલમાં સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. સ્થાનિક લેવલ પર તેઓ શ્રી ખેડૂત સહકારી જીન વ્યારાના ડિરેક્ટર, ગુજરાત ખેત વિકાસ પરિષદના સભ્ય, વ્યારા એપીએમસીના ડિરેક્ટર સહિત તાપી જિલ્લાની સહકારી, રાજકીય અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમને મજબૂત આદિવાસી નેતા માનવામાં આવે છે. તેમના પિતા અમરસિંહ ઝેડ. ચૌધરી પણ સહકારી અને રાજકીય ક્ષેત્ર સારી નામના ધરાવે છે. તેમના પિતાએ તત્કાલિન મુખ્યપ્રધાન અમરિસંહ ચૌધરીને અપક્ષ ચૂંટણી લડીને વ્યારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણીમાં માત આપી હતી.
ભાજપ ઉમેદવારઃ પ્રભુભાઈ વસાવા
પ્રભુ વસાવા મૂળ માંડવી તાલુકાનાં સઠવાવના રહેવાસી છે. તેમણે મીકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા નારણ વસાવા પણ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. પ્રભુ વસાવા છેલ્લી 2 ટર્મથી બારડોલી લોકસભા બેઠક પર સાંસદ છે. 2007માં સોનગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચૂંટાયા હતા. નવા સીમાંકન બાદ સોનગઢ બેઠક નાબૂદ થઈને નવી માંડવી બેઠક અસ્તિત્વમાં આવતા 2012માં તેઓ માંડવી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. આ સમયગાળા દરમ્યાન તેઓ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ કાર્યરત હતા. જો કે 2014ની લોકસભા ચૂંટણી સમયે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેમાં તેમને લોટરી લાગી હોય તેમ ભાજપે બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા અને તેમણે આ ચૂંટણીમાં 1,24,895 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બાદમાં વર્ષ 2019માં વધુ લીડ એટ્લે કે 2,15,974 મતોથી ફરી એક વખત તુષાર ચૌધરીને હરાવ્યા હતા.
પહેલા કોંગ્રેસના તાબા હેઠળ ગણાતી તમામ સહકારી સંસ્થાઓ ધીમે ધીમે ભાજપના કબ્જામાં આવી જતાં હવે લગભગ કોંગ્રેસનું લગભગ નામોનિશાન મટી રહ્યું છે. હાલમાં સુમુલ ડેરી હોય કે સુગર મિલો તમામ પર ભાજપના નેતાઓનો કબ્જો રહેલો છે. જેથી ભાજપનો પ્રભાવ ખેડૂતો અને મંડળીના સભાસદોને અસર કરી શકે છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 3જા પક્ષ તરીકે આવતા કોંગ્રેસને ભારે નુકસાન થયું હતું. જો કે આમ આદમી પાર્ટીએ લગભગ તમામ 7 વિધાનસભા બેઠક પર સારા એવા મેળવ્યા હતા. આમ આદમી પાર્ટીના આવવાથી તમામ 7 બેઠક કબ્જે કરવામાં ભાજપને સરળતા રહી હતી. કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો 2જા ક્રમે રહ્યા હતા. જ્યારે કોંગ્રેસનો દેખાવ નબળો જોવા મળ્યો હતો...હરેન્દ્રસિંહ બારડ (વરિષ્ઠ પત્રકાર, બારડોલી)