તાપી: જીવ સૃષ્ટિ અને પર્યાવરણ માટે નદીઓનું ખુબ જ મહત્વ રહેલું છે. તેમાં મધ્ય ભારતની મહત્વની નદીઓ પૈકી તાપી નદીનું ખુબ જ મહત્વ તેની સાથે જોડાયેલ વિસ્તારો માટે છે. આજે લોકમાતા તાપી નદીનો જન્મ દિવસ છે, જેને વધાવવા માટે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમ ખાતેથી સૂર્યપુત્રી તાપી નદીની વિધિ વિધાનથી પૂજા પાઠ કરી ઉજવણી કરાઇ હતી. આ સાથે ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાત જીવા દોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
તાપી નદી 6 જિલ્લાઓેને પાણી પૂરુ પાડે છે: લોકમાતા તાપી નદી મધ્યપ્રદેશથી નીકળી સુરતના દરિયામાં મળી જાય છે. પરંતુ લોકમાતા તાપી નદી દ્વારા 5 જેટલા જિલ્લાઓને સિંચાઇ, ઉદ્યોગો, પશુપાલન તથા ઘરવપરાશ માટે પૂરતું પાણી પૂરું પાડે છે. ત્યારે લોકમાતા તાપી નદીનું પાણી દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત તથા ભરૂચ આમ 6 જિલ્લાઓને પાણી પૂરું પાડે છે.
સુરતમાં પણ ગૃહમંત્રીએ તાપી માતાની પૂજા કરી: ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો ઇચ્છી રહ્યા છે કે, ડેમ સંપૂર્ણ રીતે ભરાય અને આખું વર્ષ ડેમનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યારે સુરતમાં પણ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શન જરદોશ દ્વારા તાપી મૈયાની પૂજા કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આજે લોકમાતા તાપીનો પ્રાગટ્ય દિવસ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો તરફથી અહી પુજન રાખવામાં આવ્યું છે.
સંપૂર્ણ ડેમ ભરાય માટે મંત્રીએ કરી પ્રાર્થના: મંત્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ભગવાનની સરસ કૃપા હતી કે, ડેમ 344 ફૂટ જેટલો ભરાયો હતો. આ વર્ષે હાલ 309 ફૂટની ઉપર ડેમની સપાટી છે. આવનાર ઓગસ્ટ માસની અંદર વરસાદ પડશે એટલે ડેમ ભરાશે. હાલ ડેમનું જે લેવલ હોવું જુઈએ એ 321 ફૂટ છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ડેમ 309 જ ભરાતા હજુ પણ ડેમ 11 ફૂટ જેટલો ઓછો ભરાયો છે. ત્યારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે ડેમ સંપૂર્ણ ભરાય માટે તાપી માતાને આજે બધા લોકોએ પ્રાર્થના કરી છે, સાથે ફરી આ ડેમ ભરાય અને દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતો ખેતી કરીને સમૃદ્ધ થાય એવી માતાને પ્રાર્થના કરી છે.