વડોદરા: પ્રવર્તમાન સરકાર માત્ર હિન્દુત્વની વાતો જ કરે છે. હિન્દુત્વના સંસ્કાર તેઓના પ્રચારકોમાં રહ્યા નથી. તેનું તાજું ઉદાહરણ વડોદરા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રોડ શો દરમિયાન છત્રપતિ શિવાજીની પ્રતિમાની અવગણના છે. અમિત શાહ ત્યાંથી પસાર થતા સમયે શહેરીજનોને માત્ર કમળના સિમ્બોલ બતાવીને પોતાના સ્વાર્થની વાત જ કરી હતી, તો ક્યાં ગયું આ હિન્દુત્વ ?
પ્રવર્તમાન સરકાર માત્રને માત્ર હિન્દુત્વના નામે પોતાની મતબેંક તૈયાર કરીને પોતાનો સ્વાર્થ જ પૂરો કરતા હોય છે. જેનું આ તાજુ ઉદાહરણ વડોદરા શહેરમાં જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પોતે પ્રચાર પ્રસારમાં નીકળે છે ત્યારે હર હંમેશ આપણા ઘડવૈયાઓ તેમજ સાઘુ - સંતોને નમન કરીને જ પોતાના સંસ્કાર મુજબ વંદન કરતા હોય છે. પરંતુ તેઓના સ્ટાર પ્રચારકોમાં આ સંસ્કારની ઉણપ જોવા મળી હતી.
કેન્દ્રીય કક્ષાના મંત્રી જ્યારે વડોદરા સંસ્કારી નગરીમાં આવે અને છત્રપતિ શિવાજીરાવની પ્રતિમાને વંદન કે પ્રણામ ન કરે તેના જેવી મોટી કોઈ ભૂલ ન કહેવાય, માત્રને માત્ર પોતાનો સ્વાર્થને પ્રાધાન્ય આપ્યું છે. જેથી વડોદરા શહેરના મરાઠી સમાજમાં ભારે ઠેંસ પહોંચી છે અને તેઓ પોતાનાો વિરોધ પ્રગટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. હેમાંગ જોશીના પ્રચાર પ્રસાર અર્થે વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જે રોડ શો દરમિયાન ઠેર ઠેર તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી અને ન્યાય મંદિર, કીર્તિસ્થંભ જેવા અનેક વિસ્તારોમાં તેઓના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવતી હતી. પરંતુ ન્યાય મંદિર ખાતે છત્રપતિ શિવાજી રાવની પ્રતિમા ગોઠવવામાં આવી હતી. પરંતુ તે પ્રતિમા પાસેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રોડ શો દરમિયાન પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન તેઓએ માર્ગ ઉપર થી પસાર થતા સમયે શિવાજીની પ્રતિમાને નમન કે વંદન પણ કર્યા નહોતા. તેઓએ પ્રતિમાની અવગણના કરીને સમાજના લોકોને ભારે ઠેસ પહોંચાડી છે તેવો આરોપ શિવસેનાએ લગાવ્યો છે.