ભાવનગર: લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી તે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જો કે, ખાસ કરીને વહેલી સવારમાં વૃદ્ધો મતદાન કરવા માટે પોલીંગ બુથે પહોંચી રહ્યા છે. વૃદ્ધો દ્વારા દરેક લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી. શહેર ભાજપ પ્રમુખે પણ વહેલી સવારે પોતાના પરિવાર મતદાન સાથે કર્યું હતું.
વહેલી સવારે મતદાન માટે લાંબી કતારો: ભાવનગર શહેરમાં અને જિલ્લામાં વહેલી સવારથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, ત્યારે ભાવનગર શહેરના રૂપાણી સર્કલમાં આવેલા થિયોસોફીકલ હોલ ખાતે વહેલી સવારે જ મતદાનનો પ્રારંભ થઈ ગયો હતો. ભાવનગર બેઠક ઉપર 19,16,900 મતદારો છે. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. મતદાન કેન્દ્રો ઉપર ખાસ કરીને વૃદ્ધો વહેલી સવારમાં મતદાન કરવા માટે આવતા નજરે પડ્યા હતા. મતદાન કરવા આવતા વૃદ્ધે જણાવ્યું હતું કે, શિક્ષિત વ્યક્તિ હોય તે મતદાન કરવાનું ક્યારેય ચૂકશે નહીં મારી દરેક યુવાનોને અપીલ છે કે, દરેક યુવાનોએ મતદાન જરૂર કરવું જોઈએ.
શહેર ભાજપ પ્રમુખે કર્યું મતદાન: સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજનો જે રીતે રોષ ફેલાયેલો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ મતદાન કરવા માટે પહોચ્યા હતા. ત્યારે ભાવનગર શહેરના રાજપૂત સમાજના શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ભાવનગર થિયોસોફીકલ હોલ ખાતે શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. ત્યારબાદ અભયસિંહેે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ અન્ય સ્થળોની મુલાકાત લઈને સવારમાં જ પરિવાર સાથે મતદાન કરવા આવ્યા છે. દરેક સ્થળો ઉપર મોટા પ્રમાણમાં મતદાન થતું હોવાનું નજરે પડી રહ્યું છે એટલે કે, લોકોમાં જાગૃતિ છે અને લોકો મતદાન કરી રહ્યા છે.