કચ્છ : લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન સંપન્ન થયું છે. આગામી 4 જૂને ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે, ત્યારે સાંસદ તરીકે ચૂંટાઈ આવનાર ઉમેદવાર પાસેથી મતદારોને શું અપેક્ષા છે, તે અંગે મતદારોએ ETV Bharat સાથે વાતચીત કરી હતી.
કચ્છ લોકસભા બેઠકનું મતદાન : 2024 લોકસભા ચૂંટણી માટે કચ્છ લોકસભા બેઠક પર 11 ઉમેદવારો મેદાનમાં હતા. જેમના માટે કુલ 19,43,136 મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું અને 8,52,258 મતદારો મતદાનથી દૂર રહ્યા હતા. કચ્છ લોકસભા બેઠક પર 56.14 ટકા મતદાન થયા હોવાનું સત્તાવાર જાહેર કરાયું છે, જે ગત લોકસભા ચૂંટણી કરતા 2.08 ટકા ઓછું છે.
નવા સાંસદ પાસેથી જનતાની અપેક્ષા : ભુજના સ્થાનિક મતદારો નવા સાંસદ પાસેથી વિકાસ અને સુવિધાઓની અપેક્ષા રાખી રહ્યા છે. સ્થાનિકોએ નવા ચૂંટાયેલા સાંસદ ક્યાં કાર્યો અને મુદ્દાઓને અગ્રીમતા આપે તેમજ કયા પ્રશ્નો સંસદમાં ઉઠાવે તે અંગે વાતચીત કરી હતી. જેમાં મુખ્યત્વે રેલવે સુવિધા અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે મતદારોની અપેક્ષા દેખાઈ રહી છે. સાથે જ ખેડૂતો માટે નર્મદાનાં નીર, શાળાઓમાં શિક્ષકોની ઘટ અને સરહદી વિસ્તારમાં મેડિકલ સુવિધાઓમાં વધારો કરવા અંગેની વાત મતદારોએ કરી હતી.
- નર્મદાના નીર માટે પ્રશ્નો ઉઠાવે :
જયેન્દ્ર ચાવડાએ જણાવ્યું કે, છેલ્લા અનેક દાયકાઓથી કચ્છના ખેડૂતો નર્મદાનાં નીર માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવા સાંસદ સંસદમાં કચ્છને નર્મદાનાં નીર મળે તે માટે યોગ્ય રજૂઆત કરે અને પ્રશ્નો ઉઠાવે, જેથી કરીને ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તેમજ છેલ્લા 10 વર્ષમાં જે કામો બાકી રહી ગયા છે તે આગામી સમયમાં પૂર્ણ કરે તેવી અપેક્ષા છે.
- શિક્ષકો અને ડોક્ટરોની ઘટ પૂર્ણ કરે :
યુવા મતદાર વિશાલ ગજરાએ જણાવ્યું કે, સરહદી વિસ્તારમાં મેડિકલ સુવિધાનો અભાવ છે. ત્યારે સંસદમાં યોગ્ય અવાજ ઉઠાવીને કચ્છને મેડિકલ સુવિધા મળી રહે, જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ ડોક્ટરોની ઘટ પૂર્ણ કરવા માટે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવે, તેમજ શાળામાં શિક્ષકોની ઘટ પણ પૂર્ણ થાય તેવી નવા સાંસદ પાસે અપેક્ષા છે.
- વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા સાઈટના વિકાસ માટે કાર્ય :
નિલેશસિંહ ચાવડાએ જણાવ્યું કે, કચ્છ પ્રવાસન ક્ષેત્રે હબ બની રહ્યું છે અને વર્ષ 2001ના ભૂકંપ બાદ અહીં પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં રણોત્સવને જે રીતે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, તે જ રીતે અન્ય પ્રવાસન સ્થળોને પણ મહત્વ આપવામાં આવે તેમજ તે સ્થળોનો પણ વિકાસ કરવામાં આવે તેવી અપેક્ષા છે. ખાસ કરીને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરેલ હડપ્પા સંસ્કૃતિનું નગર ધોળાવીરા હજુ પણ વિકાસ ઝંખી રહ્યું છે. અનેક સુવિધાઓ ત્યાં ઊભી કરવી જરૂરી છે, ત્યારે આવનારા સમયમાં સાંસદ આ અપેક્ષા પૂર્ણ કરે તેવી આશા છે.
- રેલવે સુવિધા અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગ :
જય દવેએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી ભાજપના સાંસદ છે ત્યારે સ્વાભાવિક પણે મતદારોની પણ અપેક્ષા વધારે રહેતી હોય છે. કચ્છ અને મુંબઈ વચ્ચે અનેક વર્ષોથી સબંધ છે અને મોટી સંખ્યામાં કચ્છીઓ મુંબઈમાં વસે છે. લાંબા સમયથી ભુજ-મુંબઈ વચ્ચે વધારાની ફ્લાઈટ શરૂ થાય તેવી માંગ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં NRI લોકો કચ્છમાં આવતા હોય છે, તેઓ ફ્લાઈટના ઊંચા દર આપીને અમદાવાદ અને મુંબઈથી ભુજની સફર કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છને મળશે તેવી વાતો લાંબા સમયથી સંભળાતી આવી છે, પરંતુ હજુ સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તો શું વધારાની ફલાઇટો પણ મળી નથી. આ ઉપરાંત ટ્રેનની સુવિધા પણ લાંબા સમયગાળા માટે કચ્છને મળે તેવી અપેક્ષા છે. ઉપરાંત અન્ય રાજ્યો સાથે જોડતી ટ્રેન સેવા શરૂ થાય તે પણ જરૂરી બન્યું છે.
- ભુજના સ્થાનિક મુદ્દાઓ ઉકેલવાની અપેક્ષા :
અનિલ ડાભીએ જણાવ્યું કે, આમ તો કચ્છમાં વિકાસ ઘણો બધો થયો છે, છતાં પણ અપેક્ષાઓ તો રહેવાની જ છે. જેમાં કચ્છને વધારાની ટ્રેન ફાળવવામાં આવે. વર્ષોથી વેપારીઓની માંગ છે કે ભુજમાં પાર્કિંગ માટે યોગ્ય ઝોન ઊભા કરવામાં આવે. તેમજ જિલ્લાના પાટનગર ભુજમાં જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવે તે જરૂરી છે. કોઈ પણ પક્ષના સાંસદ આવે ભુજથી ટ્રેનો શરૂ થાય, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે અને ભુજના હૃદય સમા હમીરસર તળાવના નવીનીકરણ માટે સાંસદ સંસદમાં પ્રશ્ન ઉઠાવે અને ભુજ તેમજ કચ્છ માટે વિકાસના કાર્યો કરશે, તો તે હંમેશા માટે કચ્છના યાદગાર સાંસદ બની રહેશે.
- ભુજથી ધાર્મિક સ્થળોએ ટ્રેન શરૂ થાય :
રાજુભાઈ ઠક્કરે જણાવ્યું કે, કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ અનેક ઉદ્યોગો આવ્યા, જેના પરિણામે મજૂરી કરવા તેમજ રોજગારી મેળવવા માટે અનેક પરપ્રાંતીય લોકો કચ્છમાં આવ્યા છે. ત્યારે અન્ય રાજ્યોને જોડતી ટ્રેન સુવિધા ભુજથી શરૂ થાય તેમજ ભુજના લોકોને ધાર્મિક સ્થળોએ જવા માટે ભુજથી હરિદ્વારની ટ્રેન નવા સાંસદ દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે.
- નવી ટ્રેનો અને વધારાની ફલાઇટો મળે તેવી અપેક્ષા :
ભરત સંઘવીએ જણાવ્યું કે, કચ્છને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જરૂરિયાત છે. હાલમાં જેમ બેફામ ભાડા વધી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓ માટે ફ્લાઈટ વધે તો લોકોને અન્ય વિકલ્પો મળે અને દરરોજ ફ્લાઇટ મળી રહે. આ ઉપરાંત જે ટ્રેન ગાંધીધામ સુધી આવે છે તે ભુજ સુધી આવે અને અહીંથી જ ઉપડે તેવી અપેક્ષા છે. ભુજથી મુંબઈ માટે 5 જેટલી ટ્રેન જોઈએ, કારણ કે બુકિંગ ફૂલ હોવાથી પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડે છે. વધારે ટ્રેનો ફાળવાય તો લોકો સમયસર મુસાફરી કરી શકે. તેમજ કચ્છના ફળ, સુકો મેવો તેમજ અન્ય ખાદ્ય પેદાશ મુંબઈમાં રહેતા લોકોને તાજી મળી શકે તેના માટે પણ સુવિધા વિકસાવવી જોઈએ, તેવી નવા સાંસદ પાસેથી અપેક્ષા છે.
- સ્થાનિક લોકોને રોજગારી મળે :
અયાઝ સિદ્દીકીએ જણાવ્યું કે, કચ્છના સાંસદે 10 વર્ષમાં ખૂબ સારું કામ કર્યું છે. સંસદમાં પણ રેલવે અને એરપોર્ટ માટે અવારનવાર પ્રશ્નો ઉઠાવ્યા છે. સાથે સાથે લોકો પાસેથી રોડ ટેક્સની વસુલાત કરવામાં આવતી હોય છે. ત્યારે લોકોને પણ સારી ગુણવત્તાના રોડ મળે તેવી અપેક્ષા રહેતી હોય છે.
મિલન ગજ્જરે જણાવ્યું કે, કચ્છમાં રોજગારીનો મુદ્દો છે. કચ્છમાં અનેક કંપનીઓ આવે છે અને સરકાર વિકાસની વાતો કરે છે. કચ્છના લોકોને અહીંયા કંપનીઓમાં નોકરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. મોંઘવારી પણ વધી રહી છે, ત્યારે પરિવારમાં મર્યાદિત આવક ઊભી કરતા લોકોને વધુ રોજગારી મળે તો લોકોનું જીવન સ્તર ઊંચું આવે. કચ્છમાં આવેલી કંપનીઓને 50 ટકા જેટલી રોજગારી સ્થાનિક લોકોને આપવી જોઈએ.