વલસાડ: ૭મી મેના રોજ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વલસાડ જીલ્લાના મતદારોનો મિજાજ જાણવા માટે ETV ભારતની ટીમે પ્રયાસ કર્યો છે અને વલસાડ જીલ્લાના ધરમપુર ખાતે આવેલા ફલધરા ગામે યુવાનો,વડીલો, મહિલાઓ સાથે સીધી વાતચીત કરી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં જે રીતે વિકાસના કર્યો થયા છે. તે જોતા લોકો વિકાસ કાર્યો કરનારી પાર્ટીને પ્રાથમિકતા આપશે.
લોકોને મફત અનાજ આપ્યું: મતદારો પૈકી એવા પણ લોકો છે કે, જે માત્ર મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે ત્યારે આવા લોકો માટે કોરોના કાળ ખૂબ જ વિકટ સ્થિતિ હતી.એવા સમયે જ્યાં પૈસા મજુરી નહોતી મળતી તેવા સમયે સરકારે અનાજ મફતમાં પૂરું પાડ્યું. કારણ કે, ગ્રામીણ કક્ષાએ રહેતા લોકો માટે કોરોના કાળમાં તમામ દુકાનો-બજારો બંધ હતા. એવા સમયે અનાજ મેળવવું ખુબ મુશ્કેલ કાર્ય હતું. ત્યારે સામાન્ય જનની પરવા કરતી સરકારને જ લોકો વોટ કરશે. એવું લોકો જણાવી રહ્યા છે.
વિધાર્થીઓને હેમખેમ લાવ્યા: સ્થાનિક યુવા વર્ગના મતદારો જણાવી રહ્યા છે કે, સરકારે વિવિધ સ્કોલરશીપ યોજના અને વિધાર્થી માટે વિશેષ લાઈબ્રેરીઓ બનાવી છે. સ્કીલ શીખી શકે તે માટે ITI શરુ કરી છે. વળી ડોક્ટરના અભ્યાસ કરવા ગયેલા અનેક વિધાર્થીઓને યુદ્ધની સ્થિતિમાંથી હેમખેમ પોતાના વતન પરત લઇ આવ્યા છે. ત્યારે વિવિધ યોજનાઓ જોતા યુવા વર્ગ પણ વિકાસ કાર્યો કરતી પાર્ટીને જ વોટ કરશે.
વડા પ્રધાનને જોઈને વોટ કરશે: સ્થાનિક મતદારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જે રીતે વલસાડ-ડાંગ બેઠક ઉપર નવા ઉમેદવાર ધવલ પટેલ મેદાનમાં છે પરંતુ સ્થાનિક મતદારો જણાવી રહ્યા છે કે, તેઓ ઉમેદવારને જોઈ ને નહિ પરંતુ વડા પ્રધાનને જોઈને મતદાન કરશે. જેથી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી વિવિધ નવી યોજનાઓ બનશે અને તેનો લાભ સામાન્ય જનતાને મળશે એટલું જ નહિ ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે વડા પ્રધાન જેવા વિકાસ પુરુષ જરૂરી છે, એવું મતદારો જણાવી રહ્યા છે.
વિકાસને વોટ કરશે: સ્થાનિક મતદારો જણાવી રહ્યા છે કે, ૧૦ વર્ષ પહેલાના માર્ગો સાવ બિસ્માર અને ચોમાસા દરમ્યાન રોડ ઉપર પાણી ચડી જતા લોકોને મુશ્કેલી પડતી હતી. પરંતુ જયારથી મોદી સરકાર આવી છે એમને વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપી છે, તે જોતા લોકોની પ્રાથમિક જરૂરિયાતને સમજી રોડ, રસ્તા, પાણીની કામગીરીને વધુ વેગ મળ્યો છે ત્યારે મોટા ભાગના વૃદ્ધો પણ કહી રહ્યા છે કે, વિકાસને વોટ કરશે. આમ વલસાડ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં મતદારો માત્ર વિકાસના કાર્યોને જોતા ભાજપ તરફી વધુ ઢળાવ દેખાઈ રહ્યો છે.