ગાંધીનગર/અમદાવાદ: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના વારસાગત ટેક્સ અંગેના નિવેદન બાદ દેશમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના સલાહકાર સામ પિત્રોડા કોંગ્રેસ પર હાવી છે. કોઈ એક વ્યક્તિ પોતાના માટે અને પોતાના બાળકો માટે આખી જિંદગી કમાણી કરે છે. એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેમની તમામ સંપત્તિ તેમના વારસદારોને મળતી હોય છે. કોંગ્રેસ પાર્ટીને આ મંજુર નથી. તેમને તો વારસામા પણ ભાગ જોઈએ છે. તેને કારણે આખા દેશમાં હલચલ છે. રાત દિવસ મહેનત કરીને કમાણી કરનાર વ્યક્તિઓના કમાણી પર કોંગ્રેસની નજર છે. કોંગ્રેસ 55 ટકા હિસ્સો ટેક્સ તરીકે લેવા માંગે છે.
પાટીલના કોંગ્રેસ પર આરોપ: વર્ષો પહેલા તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે દેશના સંસાધનો પર પહેલો અધિકાર લઘુમતી સમાજનો હોવાનું જણાવ્યું હતું. મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે કોંગ્રેસ નેતાઓ આવા નિવેદનો કરે છે. સંપત્તિને લુટવાના કોંગ્રેસના નિવેદનને કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસ મૃતકોની સંપત્તિ ટેક્સ પેટે ઉઘરાવીને મુસ્લિમ સમાજમાં વહેંચણી કરવાની યોજના બનાવતી હોવાનું સી.આર. પાટીલે આક્ષેપ કર્યા હતા
ખુદ રાજીવ ગાંધીએ ટીપ્પણી કરી હતી કે હું જ્યારે દિલ્હીથી એક રૂપિયો મોકલું છું ત્યારે લાભાર્થી સુધી 15 પૈસા પહોંચે છે. આ બધા જ પૈસા રસ્તામાં ખવાઈ જતા હતા. ત્યારે ઉપરથી નીચે સુધી બધે જ કોંગ્રેસની સરકાર હતી. હિન્દુ સમાજમાં બચતની ટેવ છે અને તેઓ પોતાના વારસદારોને સમૃદ્ધ જીવન આપવા માટે બચત કરે છે.
પાટીલને કોંગ્રેસનો જવાબ: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મનમોહન સિંહ અંગે આપેલા નિવેદન પર કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ વળતી પ્રતિક્રિયા આપી છે. દોશીએ કહ્યું કે, મનમોહન સિંહે સ્પષ્ટ કહ્યુ હતું કે, આ દેશમાં વિકાસ કરવો હશે તો આરોગ્ય , શિક્ષણ , ગ્રામીણ વિકાસ અને સિંચાઇ પર ભાર આપવો પડશે. એસસી , એસસટી , ઓબીસી અને લઘુમતી સહિતના વર્ગ ઉત્થાન માટે કામ કરીશું તો દેશની પ્રગતિ થશે. જેથી વધુ સંસધાનો આ વર્ગ માટે ફાળવા પડશે તો જ દેશ વિકાસ આગળ થશે. મનીષ દોષીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે ૧૦ વર્ષનો હિસાબ આપવો જોઇએ કેમ તેની વાત નથી કરતા. ભાજપ માત્ર જુમલા પાર્ટી છે દશ વર્ષમા અન્યાયનો જવાબ આપે તેવા સવાલો મનીષ દોશીએ ભાજપને પુછ્યા છે.
મહત્વપૂર્ણ છે કે, ભાજપે દાવો કર્યો છે કે આ એક સંકેત છે કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો તે લોકોની સંપત્તિ વહેંચી દેશે. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીમાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારથી કોંગ્રેસ જે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે તે આગમાં સામ પિત્રોડાએ ઘી હોમ્યું છે.
શું હતું કોંગ્રેસ નેતા શામ પિત્રોડાનું નિવેદન ?
કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ કહ્યું કે,'અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે.' જો કે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે.Conclusion:કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પછાત વર્ગના આરક્ષણનો 4% હિસ્સો લઘુમતી સમાજને આપ્યો
કર્ણાટકમાં પણ કોંગ્રેસ સરકારે સમાજના પછાત વર્ગના આરક્ષણમાં ભાગ પડાવ્યો છે. એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે ૪ ટકા અનામત આપવામાં આવ્યું છે. તેમને ખબર છે કે આનો કોઈ ફાયદો થવાનો નથી. આ અનામત પાછળ કોંગ્રેસનો મલિન ઈરાદો છે. ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વર્ષોથી આરક્ષણનો લાભ લેતા સમુદાયોના હકમાંથી ભાગ પડાવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને આ પહેલનો વિરોધ કરે છે.