જૂનાગઢ : લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્રમાં હવે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ ખાતે મતદાન પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર ઉપસ્થિત રહીને મતદાનની પ્રક્રિયા અને મતદાનના દિવસે થનાર મતદાનને લઈને કર્મચારીઓને પ્રક્રિયાથી વાકેફ કર્યા હતાં.
કર્મચારીઓની તાલીમ શરૂ : આગામી લોકસભા ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયાને લઈને હવે ધમધમાટ શરૂ થતો જોવા મળી રહ્યો છે. આજે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાની હાજરીમાં જૂનાગઢ લોકસભા મતક્ષેત્રમાં પ્રથમ તબક્કાની તાલીમ માટે 3200 કરતાં વધુ કર્મચારીઓની એક તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં ખુદ જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયાએ હાજર રહીને મતદાનની પ્રક્રિયા સાથે મહત્વની કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને મતદાનના દિવસ સુધી કેવા પ્રકારે કામગીરી કરવી અને મતદાનના દિવસે કોઈ પણ આકસ્મિક મુશ્કેલીનું સર્જન થાય તો તેનું કઈ રીતે નિરાકરણ કરવું તેને લઈને તમામ વિગતો આપી હતી.
ત્રણ તબક્કામાં યોજાશે તાલીમ : આગામી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારી અને અધિકારીઓની તાલીમનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે પ્રથમ તબક્કામાં જૂનાગઢ ખાતે કર્મચારીઓની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મતદાનથી લઈને મોક પોલ સુધીની તમામ તૈયારીઓ કઈ રીતે ચૂંટણીના દિવસે ફરજ પર રહેલા અધિકારી અને કર્મચારીઓએ કરવી તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મતદાનના દિવસે જ અધિકારીઓની ફરજ નિયુક્ત કરવામાં આવી છે તેને પ્રથમ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે. જૂનાગઢ સહિત જિલ્લાની વિસાવદર કેશોદ માગરોળ અને માણાવદર વિધાનસભા બેઠકમાં ફરજ બજાવનાર તમામ કર્મચારીને શુક્રવાર સુધીમાં તાલીમ આપવામાં આવશે.
વિધાનસભાદીઠ કર્મચારીની સંખ્યા : જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં 1469 માણાવદર વિધાનસભા બેઠકમાં 667 વિસાવદર વિધાનસભા બેઠકના 555 કર્મચારીઓને તેમજ કેશોદ બેઠકના 591 માંગરોળ બેઠકના 591 કર્મચારીઓને પ્રથમ તબક્કામાં તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ બીજા અને ત્રીજા તબક્કાના કર્મચારીઓની તાલીમનું પણ ક્રમબદ્ધ રીતે આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ તમામ કર્મચારીઓને જે તે વિધાનસભા મત વિસ્તારમાં બુથ ફાળવણી કરીને લોકસભા ચૂંટણી મતદાનના દિવસે ત્યાં મોકલવામાં આવશે.