પાટણ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાટણમાં જનસભા સંબોધી હતી. આ જનસભા દરમિયાન તેમણે વાયદાઓ કર્યા હતા. પોતાના ભાષણમાં ખાસ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ઉલ્લેખ કર્યો હતો. ભાષણના અંતે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાના પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરીને તેમના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે, હાલમાં જ તેમના રાજારજવાડા પરના નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો. ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણી પર ઈટીવી ભારતે કોંગ્રેસના મહિલા સાંસદ અમીબેન યાજ્ઞિક સાથે ખાસ વાતચીત કરી હતી. મહિલાઓ મુદ્દે શું જણાવ્યું ચાલો જાણીએ.
ઈટીવી ભારત - રૂપાલાની મહિલા વિરોધી ટિપ્પણીને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતર્યો છે. તમે સંસદમાં મહિલાઓના પ્રશ્નોને વાચા આપી છે. આ ચૂંટણીમાં મહિલાઓ કોની તરફી મતદાન કરશે?
અમીબેન યાજ્ઞિક - કોંગ્રેસ હંમેશા મહિલાઓ સાથે રહી છે. મહિલા આરક્ષણ બિલ પણ કોંગ્રેસ પાર્ટી લાવી હતી. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પંચાયતી રાજ હેઠળ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત લાવ્યા હતા. લોકશાહીમાં મહિલાઓનr ભાગીદારી કોંગ્રેસે વધારી હતી. અમે અમારા ન્યાય પત્રમાં પણ મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપી છે. જ્યારે કોઈ નેતા મહિલા વિરુદ્ધ બોલી જાય ત્યારે તેમણે પોતાના શબ્દો અને વિચારો પર કાબુ રાખવો જોઈએ. સમાજમાં અનેક મુદ્દાઓ છે. મહિલાઓએ પોતાના સ્વમાન અને સુરક્ષા માટે અવાજ ઉઠાવવો જોઈએ.
ઈટીવી ભારત - ક્ષત્રિય સમાજના વિરોધ છતાં ભાજપે હજી સુધી ઉમેદવાર બદલ્યા નથી. પરસોત્તમ રૂપાલા અને સ્ટાર પ્રચારકોને યાદીમાં સમાવ્યા છે. ભાજપનો દાવો છે કે અમારા રાજમાં મહિલાઓ સુરક્ષિત છે તેની મહિલા મતદારો પર કેટલી અસર થશે?
અમીબેન યાજ્ઞિક - મને લાગે છે કે ભાજપના નેતાઓએ એનસીઆરબીનો ડેટા જોયો નથી. ગુજરાતનો ડેટા જોયો હોય તો આવું બોલે નહીં. આપણે યુપીના ઉંનાવ, કઠવા, હાથરસ સુધી નથી જતા ત્યાં બાળકીઓ ઉપર કેવું દમન ગુજારવામાં આવ્યું છે. નેશનલ ચેમ્પિયન મહિલાઓ જંતરમંતર પર બેઠી હતી ત્યારે કેટલા નેતાઓ મહિલાઓને મળવા ગયા હતા. ભાજપે પોકળ દવાઓ કર્યા પહેલાં એનસીઆરબીનો રેકોર્ડ જોવો જોઈએ. અમદાવાદમાં ક્રાઈમ રેટ સતત વધતો જાય છે. દુષ્કર્મની ઘટનાઓ જોઈને માથું નીચું નમી જાય છે. આઠમા ધોરણ બાદ ગામડાઓની દીકરીઓ આગળ અભ્યાસ કરવા જતી નથી. કારણ કે દીકરીઓને દૂર ભણવા મોકલવાથી માબાપ ગભરાય છે. ભાજપના નેતાઓને જમીની હકીકત સાથે લેવાદેવા નથી. નરેન્દ્ર મોદીએ તેમના નેતા ઉપર કોઈપણ પ્રકારના એક્શન નથી લીધાં. એક બાજુ ભાજપ નારી સન્માનની વાત કરે છે. બીજી બાજુ નારી વિરુદ્ધ ટીપ્પણી કરે છે.
ઈટીવી ભારત - ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસ મહિલાઓને વોટબેંક તરીકે ઉપયોગ કરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહિલાઓને 50 ટકા અનામત આનંદીબેન પટેલ સરકારે આપી અને સંસદમાં 33 ટકા અનામત પણ ભાજપ સરકારે આપી છે. કોંગ્રેસ પાસે વર્ષો સુધી બંને સદનમાં પ્રચંડ બહુમત હોવા છતાં પણ મહિલાને ન્યાય નથી આપ્યો.
અમીબેન યાજ્ઞિક- ભાજપને આવી વાત કરવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસે ભારતને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ અને મહિલા લોકસભા સ્પીકર આપ્યા છે. 50 ટકા અનામત ત્યારે જ આપ્યું જ્યારે પહેલેથી 33 ટકા લાગુ હતું. કોંગ્રેસે મહિલાને વોટબેંક તરીકે ક્યારેય જોઈ નથી. મહિલા સશક્તિકરણના મુદ્દે બોલવાનો ભાજપને કોઈ અધિકાર નથી.