સુરત: પાણીમાં ધોવાય ગયેલો રોડ માંગરોળ તાલુકાના લીંબાડા ગામથી ઘૂંટી ગામને જોડતો કીમ નદી પર આશરે સાડા ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજનો એપ્રોચ રોડ છે. 2024 લોકસભાની ચૂંટણીના 5 દિવસ પહેલા જ આ રોડ લોકાર્પણ કરી પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આમ તો આ બ્રિજ બનતા 6 વર્ષનો સમય લાગ્યો છે. બ્રિજનું બજેટ પણ નક્કી કરેલા ટેન્ડર કરતા પણ વધારવામાં આવ્યું છે. જોકે, 6 વર્ષ બાદ બ્રિજ ખુલો મુકાયો અને 4 જ મહિનામાં આ બ્રિજની હાલત કેવી છે તે જોઈ શકાય છે. ગ્રામજનોએ તો આ બ્રિજ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપો કર્યા છે. બ્રિજ બનાવવામાં નદી કિનારેથી માટી ખોદી પુરાણ કર્યું હોવાના તેમજ મટીરીયલ પણ યોગ્ય ગુણવત્તાયુક્ત વાપર્યું ના હોવાના પણ આક્ષેપ કર્યા છે. જોકે, હાલમાં જ 2 દિવસ પહેલા કીમ નદીમાં ભારે પુર આવ્યું હતું અને આખું લીંબાડા ગામ જલમગ્ન થયું હતું. ત્યારે આજ બ્રિજના એપ્રોચ રોડની બાજુમાંથી પાણી જગ્યા કરી ગામમાં ઘુસ્યા હતા. આ રોડ તૂટી જવા પાછળ કરણ શું છે એ તપાસ બાદ જ બહાર આવી શકે એમ છે. નદીના ધસમસતા પ્રવાહમાં આ રોડ આશરે 150 ફૂટથી વધારે ધોવાઈ ગયો છે અને હાલ આ રોડ ચાર ચક્રીય વાહનો માટે બંધ કરવાની ફરજ પડી છે.
સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ રાજ્ય ધોરી માર્ગ હોય, રાષ્ટ્રીય ધોરી માર્ગ હોઈ કે પછી ગામડાઓના અંતરિયાળ રસ્તા હોય, ચારે તરફ ખાડાનું સામ્રાજ્ય દેખાય છે. ક્યાંક તો રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તા એ નક્કી કરવું મુશ્કેલ બને છે. ત્યારે હાલ તો લીંબાડાથી ઘૂંટી જતા માર્ગ ધોવાઈ ગયાની જાણ માર્ગ મકાન વિભાગને થતા વરસાદ બંધ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બ્રિજની સાઈડ પર પહોંચ્યા છે. અને વહેલી તકે માર્ગ રીપેરીંગ કરી રસ્તો શરૂ કરવા યુદ્ધના ધોરણે રોડ રીપેરીંગનું કામ શરૂ કર્યું છે.