સુરત: જિલ્લામાં આઠ મહિનાના દીપડાના બચ્ચાનું રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટેની આવતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના માંગરોળના તરસાડી - કોસંબા રેલવે ટ્રેક પર થઈ હતી જય ટ્રેન અડફેટે આવતા આઠ મહિનાના દીપડાના બચ્ચાનું મોત નિપજ્યું હતું. એફિસર્સ ઘટના સ્થાને પહોંચ્યા હતા અને વન વિભાગની ટીમને મૃત દીપડાના બચ્ચાનો કબજો લીધો હતો.
દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અવાર-નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે કોસંબા પંથક બાજુ શિકારની શોધમાં એક આઠ મહિનાનું દીપડાનું બચ્ચું આવી રહ્યું હતું, તે દરમિયાન માંગરોળના તરસાડી - કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેનને અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓના કારણે તે મોતને ભેટ્યું હતું. ઘટનાને પગલે વાંકલ રેન્જ ઓફિસર હિરેન પટેલ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો, અને મૃત દીપડાના બચ્ચાનો કબજો લઈને વન વિભાગ ઓફિસ ખાતે લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતમાં દીપડાઓના મોત થવાની સંખ્યામાં વધારો થતાં વન અને પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાઓ જોવા મળી રહી છે. વાંકલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેન પટેલે ઘટના અંગે જણાવ્યું હતું કે, "દીપડાના બચ્ચાનું ટ્રેનની અડફેટે મોત થયાની માહિતી મળતાં જ અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી, અને આ મૃત દીપડાના બચ્ચાનો કબજો લેવામાં આવ્યો, અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."