વલસાડ: વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ દ્વારા જંગી રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું. કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા. તેમને પોતાની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ કાર્યાલય ખાતે જનસભા યોજી: વલસાડના મોંઘાભાઈ હોલ0ની સામે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે પટાંગણમાં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે અનંત પટેલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને "લડેંગે જીતેંગે"ના નારા સાથે લોકોને એક જૂથ થઈ તમામ મુશ્કેલીઓમાં તેઓ સાથે રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યકર્તા અને સમર્થકોના શકિત પ્રદર્શન સાથે રેલી યોજી: વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત ભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા પહેલા અનંત પટેલે વલસાડમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. એક જંગી રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડ્યા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઈન્ડીયા ગઠબંધન અને આપના કાર્યકરો સાથે જોડાયા: આ વખતે વલસાડ બેઠક પર ઇન્ડીયા ગઠબંધનના અન્ય પક્ષોએ પણ અનંત પટેલને ટેકો જાહેર કર્યો હતો. આથી આજે અનંત પટેલની ઉમેદવારી પત્ર ભરતી વખતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે, અનંત પટેલ વર્તમાનમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે.
આક્રમક છબી ધરાવતા આદિવાસી નેતા છે અનંત પટેલ: જોકે આ વખતે કોંગ્રેસે તેમને લોકસભાની ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. અનંત પટેલ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક આક્રમક છબી ધરાવતા અગ્રણી આદિવાસી નેતા તરીકે ગણના થાય છે. તેમના સમર્થકોનો પણ એક અલગ વર્ગ છે. વલસાડ બેઠક પર કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપ ઉમેદવાર ધવલ પટેલ વચ્ચે બરાબરીનો પ્રતિષ્ઠા ભર્યો જંગ ખેલાશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસ અગ્રણીઓ અને અનંત પટેલે આ વખતે વલસાડ બેઠક પર કોંગ્રેસ ની મોટી લીડ થી જીતી કેન્દ્રમાં ઈન્ડી ગઠબંધનની સરકાર રચાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અનંત પટેલ દ્વારા પોતાની જીતનો દાવો કરવામાં આવ્યો: તેઓએ વલસાડની જનતા તેમની સાથે હોવાનો પણ દાવો કર્યો હતો. સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એ.આઈ.સી.સી ના મેમ્બર ગૌરવ પંડ્યાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ માત્ર ઠોક ઠોક કરે છે.ઉમેદવારને પણ કોઈ જાણતું નથી જેથી આ વખતે કોંગ્રેસની જ સરકાર બનશે અને અનંત પટેલ સાંસદ બનશે.
આદિવાસી સમાજ ને લગતા અનેક મુદ્દાઓ તેમને જીત અપાવશે: કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું કે, આદિવાસી સમાજને લગતા જંગલ જમીનનો મુદ્દો હોય પાર તાપી રીવરલીંગ યોજના હોય nh 56નો મુદ્દા હોય કે વિવિધ કોરિડોર યોજનાના મુદ્દા હોય આ તમામ મુદ્દાઓ માટે લોકોની પડખે જઈને તેમની સાથે રહ્યા છે અને સરકાર સામે લડત ચલાવી છે. જેને જોતા લોકો તેમને ચોક્કસપણે સમર્થન કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે લોકોની સમસ્યામાં તેઓ લોકોની વચ્ચે રહ્યા છે તેથી તેમને એટલો વિશ્વાસ છે કે લોકો તેમને ચોક્કસપણે સહયોગ કરશે.