અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના (IACC) 'સેન્ટર ઓફ એક્સલન્સ ફોર MSME' નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે MSMEને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા સીએમ પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદીની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકાર જવાબદારીપૂર્વક પ્રયત્નશીલ છે.
સેન્ટર ઓફ એક્સલન્સ ફોર MSME : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, પ્રોત્સાહક પોલિસી તેમજ સરકાર તરફથી ઝડપી ક્લિયરન્સના ઉત્તમ પરિણામે આજે ગુજરાતમાં 19.80 લાખ રજિસ્ટર્ડ MSME કાર્યરત છે. તેના માધ્યમથી 1.07 કરોડ લોકોને રોજગારી મળી રહી છે. દેશમાં 5 ટકા ભૂ-ભાગ ધરાવતા ગુજરાતનું GDPમાં 8.63 ટકા યોગદાન હોવું એ આપણા સહુ માટે ગૌરવની બાબત છે. IACC 'સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME' ભારત અને અમેરિકાના ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.
IACC ની પહેલ : આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા IACC ના પ્રથમ ગુજરાતી પ્રેસિડેન્ટ પંકજ બહોરાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિને ગુજરાત-અમેરિકાના ઔદ્યોગિક સંબંધોની મજબૂતીની સાબિત ગણાવી હતી. સાથે જ આવનારા સમયમાં સેન્ટર ફોર એક્સલન્સના માધ્યમથી ગુજરાત-અમેરિકા વચ્ચેના આ સંબંધ વધુ ગાઢ બનશે, તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.
એક દિવસીય કોન્ફરન્સ : આ 'સેન્ટર ઓફ એક્સેલન્સના ઉદ્ઘાટન અવસર સાથે MSME સંલગ્ન વિવિધ વિષયો પર ચર્ચા-મંથન માટે એક દિવસીય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સત્રમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્રસચિવ મમતા વર્મા તેમજ IACC ના હોદ્દેદારો સહિત MSME ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.