તાપી : સુંદરપુર ગામે આવેલ પ્રાથમિક શાળામાં દારૂના નશામાં હંમેશા ચૂર થઈ શાળાએ જતા લલ્લુ ગામીત નામના શિક્ષક અંગે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓએ ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત કરી હતી. રજૂઆતમાં છેલ્લા 3 વર્ષથી શિક્ષક દ્વારા વર્ગખંડમા ભણાવવાની જગ્યા પર દારૂ પી ને પડી રહેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે તંત્ર દ્વારા શિક્ષક વિરૂદ્ધ કડક પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
ત્રણ વર્ષથી શિક્ષક શાળામાં નશો કરી આવતો અને છોકરાઓને દારૂ લાવવા માટે મોકલતો હતો એના વિરોધમાં અમે આવેદન પત્ર પણ આપ્યું હતું. અમારી માંગ છે કે, આ શિક્ષ ના બદલામાં સારો શિક્ષક અમને મળે અને આવનારા દિવસોમાં અમારા બાળકોનું ભવિષ્ય સુધરે અને પાયા લેવલે સારું શિક્ષણ મળી રહે. તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણાધિકારી આવી વાલી મીટીંગ કરી અમને બાહેંધરી આપી કે આવનારા દિવસોમાં કાયમી માટે શિક્ષક આપશું. - સુખલાલ કોંકણી, વાલી
સ્કૂલમાં દારુનું સેવન કરતો : શિક્ષણ જગતને લાંછન લગાવતી આ ઘટનાને લઈ અહીં અભ્યાસ કરતા બાળ માનસ પર શી અસર પડતી હશે તે અંગેના ગંભીર સવાલો ઉભા થવા પામ્યા છે. શિક્ષક શાળાએ આવી વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવી વર્ગખંડ માં આરામ ફરમાવે છે અને બાળકોનું ભવિષ્ય લટકી રહ્યું છે. શું તાપી જિલ્લામાં શિક્ષણાધિકારીઓ ને માત્ર ઓફિસ સંભાળવા જ મૂકવામાં આવ્યા છે? આવા શિક્ષક તેમની નજર માં કેમ નહિ આવ્યા તેવા સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાથમિક તપાસનો અહેવાલ જિલ્લામાં સૂપૃત કરી દેવામાં આવ્યો છે. અમે નક્કી કર્યું છે કે, આ શિક્ષક 31 તારીખે હાજર થાય અને તેમની બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરીશું અને સુંદરપૂર શાળામાં ખાલી પડેલ જગ્યા પર હાલમાં ગામમાં બી.એડ કરેલ વિદ્યાર્થીને હાલ પૂરતું કામ ચલાઉ નક્કી કરવામાં આવ્યું છે. - કેશયા ગામીત, તાલુકા શિક્ષણ અધિકારી