કચ્છ : શ્રુજન LLDC ક્રાફ્ટસ મ્યુઝિયમ કચ્છની હસ્તકળાની ઉત્કૃષ્ટતાને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ છે. આ ઉદ્દેશને વધુ સાર્થક કરવા ‘અંડર ધ એમ્બ્રોઈડર્ડ સ્કાય' ગેલેરીમાં મુતવા સમુદાયના ભરતકામ અને જીવનશૈલી પર આધારિત 'બન્નીમાં વસતા મુતવા સમુદાયનું ભરતકામ' નું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
મુતવા સમુદાયનો વારસો : બન્નીના 10 જેટલા ગામોમાં વસતા મુતવા સમુદાયના અદભૂત અને અજોડ ભરતકામની સુંદર કલાત્મક કૃતિઓ ભરતકામ ગેલેરીમાં મૂકવામાં આવી છે. તદઉપરાંત વર્ષોના રિસર્ચ અને માહિતી એકઠી કર્યા બાદ તેમની ઝીણવટભરી રોચક માહિતી, લોકવાયકાઓ, માન્યતા, તેમની જીવનશૈલી, ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી પહેરવેશ, જવેલરી, રહેણીકરણી, રાચરચીલું વિવિધ અગ્રણીઓના ઇન્ટરવ્યૂ, ફોટો, વિડીયો વગેરે અલગ અલગ માધ્યમ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
ઉત્તર કચ્છનો બન્ની વિસ્તાર : બન્ની એ ઉત્તર કચ્છનો એક અંતરિયાળ વિસ્તાર છે, જે ભારત-પાકિસ્તાનની સરહદ નજીક આવેલો છે. તેની સરહદ પર મીઠાનું સફેદ રણ અને કચ્છનું મોટું રણ આવેલું છે. આ ભૌગોલિક વિવિધતા બન્નીની અનોખી ઓળખ છે. બન્ની શબ્દનો અર્થ સિંધી બોલીમાં મેદાન અથવા ખેતર થાય છે. એક સમયે બન્ની વિસ્તાર એશિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન હતું, અહીં 40 થી વધુ પ્રકારના ઘાસ ઉગતા હતા. બન્નીનું ઘાસ દુધાળા પશુઓ માટે ખૂબ જ પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહાર છે.
માલધારી સમાજનું જીવન : ગત 500 વર્ષોમાં ઘણા માલધારી સમુદાયો કે જેને ડહાપણ વારસામાં જ મળેલુ છે, તેઓ કુદરતનું સન્માન કરતા અને તેમનું પશુધન તેમને બળ પૂરું પાડતું હતું. તેમણે પશ્ચિમ અને મધ્ય એશિયાના દૂરના વિસ્તારોમાંથી સ્થળાંતર કરી બન્નીમાં વસવાટ કર્યો છે. તેમના સ્થળાંતરનું મુખ્ય કારણ વરસાદની અનિશ્ચિતતા હતું. માલધારીઓ જે વિસ્તારમાં વરસાદ હોય તથા જ્યાં પાણી અને ઘાસ મળે ત્યાં પશુઓ દોરી જતા હતા. આ રીતે આશરે 22 જેટલા સમુદાયોએ બન્નીના 40 થી 45 જેટલા ગામો અને વાંઢોમાં આવીને વસ્યા.
બન્નીમાં વસતો મુતવા સમુદાય : બન્નીમાં વસતા સૌથી મોટા સમુદાયો પૈકીનો એક છે મુતવા સમુદાય, જે બન્નીના 10 ગામો ગોરેવાલી, પન્નાવરી, ઉંડો, ધોરડો, સિનીયાડો, પટગાર, મિઠડી, આધીયાંગ, ફુલાય અને ધોરા વિસ્તારમાં વસેલા છે. તેમના વડીલોના કહેવા મુજબ, મુતવા સમુદાય એ માલધારી સમુદાય છે, જે 18મી સદીમાં પશુઓ કાંકરેજ ગાય, સિંધણ ભેંસ અને સિંધી ઘોડા સાથે સિંધ કે જે હાલનું પાકિસ્તાન છે, ત્યાંથી સ્થળાંતર કરી બન્ની વિસ્તારમાં આવ્યા હતા.
મુતવા સમુદાયનો મુખ્ય વ્યવસાય : મુતવાના કેટલાક કુટુંબો બન્નીમાં સ્થાયી થયા અને પશુપાલનના વ્યવસાયથી જોડાયેલા રહ્યા. અન્ય થોડા કુટુંબો સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર થયા અને ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યું છે. મુતવા બન્નીમાં સ્થાયી થયા તે પહેલા પોતાના પરિવાર અને પશુઓ સાથે પાણી અને ઘાસચારાની શોધમાં ભટકતું જીવન ગાળતા હતા. આ સમય દરમિયાન સમાજના બહેનોની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. તેઓ તેમના પશુધનની સંભાળ રાખતી, દૂધ દોહવાનું અને ઘાસચારો એકત્ર કરતી હતી. જ્યારે તે સ્થાયી થયા ત્યારે પશુધનની સારસંભાળમાં તેમની ભૂમિકા ઘટી ગઈ.
પશુપાલનમાં કુશળ મુતવા સમુદાય : મુતવા પશુપાલનમાં કુશળ હતા. તે ગાયો ઉછેરતા અને ઘી શહેરની બજારમાં વેચતા. તેમનામાં ગાયના દૂધને બહુ આદર આપવામાં આવતો હતો, તેને ક્યારેય વેચવામાં આવતું ન હતું. સૌરાષ્ટ્રના વેપારીઓ દર વર્ષે ગાયો ખરીદવા બન્ની વિસ્તારમાં મુતવાના ગામોમાં આવતા.
મુતવા સમુદાયનો આતિથ્ય સત્કાર : મુતવા સમુદાય આતિથ્ય સત્કાર કરવાની રીત-ભાતથી ખૂબ પ્રસિદ્ધ છે. તેઓ મહેમાનોને રાજા-મહારાજા જેવું માન-સન્માન આપે છે. મહેમાન બીજા દેશમાંથી આવ્યો હોય કે, પાડોશી ગામમાંથી તેમના દ્વારા કરવામાં આવતા મહેમાનના સ્વાગત સત્કારમાં કોઈ ફરક નથી હોતો. તેઓ મહેમાનને તમામ પ્રકારની સુખ સગવડ આપવા તત્પર રહે છે. યજમાન પરિવાર મહેમાનની આગતા સ્વાગતા માટે તેમની શ્રેષ્ઠ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે. તેમાં બેસવા ઉઠવા માટે રજાઈ અને ધાબડા, સારા કપમાં ચા પીરસે છે. ફક્ત એટલું જ નહીં પણ તેઓ મહેમાન સાથે નિખાલસતાથી પોતાના સમુદાય, વિસ્તાર અને સંસ્કૃતિની વાતો કરે છે.
ભરતકામ વ્યવસાયનો વારસો : બન્ની વિસ્તાર સાથે મુતવા સમુદાયનો ગાઢ સંબંધ છે. તેમના માટે બન્ની છોડીને બીજી જગ્યાએ કામ માટે જવું એ હમેંશા અંતિમ વિકલ્પ હોય છે. તેઓ સમજે છે કે શિક્ષણ તેમને પ્રગતિ તરફ લઈ જવાનો માર્ગ પ્રદાન કરે છે. આધુનિક ટેકનોલોજી સ્માર્ટફોન, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા તેમણે વિશ્વની નજીક લાવ્યા છે. તેમની અભિલાષા વધુ વ્યાપક જીવન માટે છે. સાથે-સાથે તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો તેમની પરંપરા સાથે જોડાયેલા રહે. દીકરીઓ પરંપરાગત ભરતકામ વ્યવસાયના વારસાને જાળવી રાખે અને તેમાંથી કમાણી કરે, ભલે તેઓ બીજા વ્યવસાયમાં પણ જોડાઈ ગઈ હોય.
મુતવા ભરતકામની વિશેષતા : મુતવા ભરતકામમાં ટાંકાની ભવ્યતા અને ભંડાર વિશાળ છે. આ ભરતકામમાં 31 જેટલા ટાંકા છે, જે પૈકીના ઘણા ખરા ટાંકાનો તેઓ વૈવિધ્યસભર રીતે ઉપયોગ કરે છે. વર્ષ 2008 સુધી શ્રુજને ધારી લીધેલું હતું કે મુતવા ભરતકામમાં અમુક જ શૈલીઓ છે. તેમનું ભરતકામ પક્કો, ચોપડ, કત્તરી, ગોત્તાવ અને મુક્કો જેટલી શૈલીઓ સુધી મર્યાદિત છે. પરંતુ "શ્રુજનના પ્રાઈડ એન્ડ એન્ટરપ્રાઇઝ" પ્રોજેક્ટ અંતર્ગત કરેલ ફીલ્ડ રિસર્ચ દરમિયાન મુતવા ભરતકામની બીજી ઘણી બધી શૈલી ઉજાગર કરવામાં આવી છે. આમાંથી કેટલીક શૈલીઓ એવી હતી કે જેને દાયકાઓથી બહેનો દ્વારા કરવામાં નહોતી આવતી. આ શૈલી સમુદાયની દાદીઓની સ્મૃતિમાં અંકિત હતી, તેઓએ આ સંશોધન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
કુશળ કારીગરીનું પ્રતિક ભરતકામ : મુતવા ભરતકામ અત્યંત કુશળ કારીગરીનું પ્રતિક છે. એનું એક ઉદાહરણ એ છે કે, એ નિયમો અને મોકળાશ બંનેને સાથે રાખીને ચાલે છે. ઘણા અગણિત નિયમો છે, જે ભરતકામના તત્વો - ટાંકા, બુટ્ટા, આભલા (ટક) અને ખાસ પ્રકારની કોર (બોર્ડર) જેને ફારૂઆ કહે છે, તે બધાનો ભરતકામમાં કઇ રીતે ઉપયોગ કરવો. આ નિયમો સકારાત્મક શક્તિ છે. તે કારીગર બહેનોને ભરતકામની સમૃદ્ધિને સરળતાથી સંચાલિત કરવામાં મદદ કરે છે. નિયમો સાથે મળેલી મોકળાશમાં કારીગર બહેનો તેમની સર્જનાત્મકતાને દિલથી વ્યક્ત કરી શકે છે.
શ્રુજન સંસ્થાના બન્ની સાથે સંબંધ : વર્ષ 1971 માં શ્રુજન સંસ્થાના સ્થાપક કાકી ચંદાબેન શ્રોફ બન્ની વિસ્તારમાં ગયા અને બન્નીના સરપંચ ગુલબેગભાઈના ઘરે રોકાયા હતા. બન્ની વિસ્તારની મહિલાઓના ભરતકામથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને બન્ની વિસ્તારની સ્ત્રીઓ ઘરે બેઠા કામ કરી ભરતકામથી રોજીરોટી મેળવી શકે છે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ શ્રુજન સાથે બન્ની વિસ્તારની અનેક મહિલાઓ ભરતકામ માટે જોડાઈ હતી.
આત્મનિર્ભર બની મુતવા મહિલાઓ : કાકીએ મુતવા ભરતને કુર્તા, સાડી બ્લાઉઝ, સાડી બોર્ડર, મેક્સી ડ્રેસ, ટ્યુનિક, બેગ, જૂતા અને બાળકોના કપડાં પર શ્રેષ્ઠ રીતે કેવી રીતે દર્શાવી શકાય તે શોધી કાઢ્યું અને આ ચીજ વસ્તુઓને મુંબઈમાં યોજાયેલ પ્રદર્શનમાં વેચવામાં આવ્યા. આ રીતે શરૂઆતથી જ બન્નીના આશરે આઠથી દસ ગામોની 150 મુતવા સ્ત્રીઓ પગભર બની. બહેનો પોતાના દ્વારા કમાયેલા પૈસાથી તેમના ઘર ચલાવતા. જેમ જેમ વર્ષો દાયકાઓમાં પરિવર્તિત થયા તેઓ તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણની કાળજી રાખી શક્યા, પાકા ઘર બનાવી શક્યા અને ઘરેણા પણ ખરીદી શક્યા.
16 વર્ષથી વધુ સમયનું સંશોધન : પ્રાઈડ એન્ડ એન્ટરપ્રાઇઝ ટીમે 2008 માં મુતવા સમુદાય સાથે સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. આ સમુદાય નાના દસ ગામોમાં ફેલાયેલો હોવાથી ટીમને સંશોધન કાર્ય એક વર્ષની અંદર પૂર્ણ વિશ્વાસ હતો. આ સમુદાયના ભરતકામમાં ફિલ્ડ સંશોધનને 16 વર્ષથી વધુ સમય લાગ્યો. મુતવા કારીગરો સાથે લાંબા સમય સુધી કામ કરવાના આ કારણો છે.
ભરતકામના 31 ટાંકાની શોધ : સંશોધકોએ શોધ્યું કે, મુતવા ભરતકામનું વિશ્વ તેઓની કલ્પનાથી પણ વધુ વિશાળ અને સમૃદ્ધ હતું. આજના કારીગરો તેનાથી અજાણ હતા, તે બધું શોધી કાઢવામાં આવ્યું. ખાસ કરીને દાદીમાની પેઢી, જેમનો મુતવા ભરતકામની કીર્તિને યાદ કરવામાં મહત્વનો ફાળો રહ્યો છે. ભરતકામના દરેક પાસા માટેની શોધ અનિયમિત રીત ઘણા વર્ષો દરમિયાન થતી રહી. ઉદાહરણ તરીકે, સંશોધકોએ અત્યાર સુધીમાં 31 ટાંકાઓ શોધી લીધા છે, જેમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તેઓએ શોધ્યું કે "સખ્ખ" ટાંકાને 13 અલગ-અલગ રીતે બતાવી શકાય છે. જો આ તમામ પ્રકારની વિવિધતાને ગણવામાં આવે તો ટાંકાની સંખ્યા આસાનીથી 100 પાર કરી શકે છે !
ભરતકામની વિશાળતા અને જટિલતા : અન્ય મહત્વપૂર્ણ શોધ, જે કારીગરોને વ્યક્ત કરવામાં અને સંશોધકોને સમજવામાં લાંબો સમય લાગી ગયો, એ હતો કે ભરતકામના દરેક પાસા સાથે સંકળાયેલ નિર્ધારિત નિયમોની પ્રબળ હાજરી. પરંતુ આ નિયમોનું સારું પાસુ એ હતું કે તેને કારીગરોના ભરતકામની વિશાળતા અને જટિલતાને સમજવામાં મદદ કરી છે. નિયમોની સાથે સાથે ત્યાં કેટલીક સ્વતંત્રતા પણ છે, જ્યાં કારીગરો પોતાની સર્જનાત્મકતા અને વ્યક્તિગત અભિવ્યક્તિ માટે મળતી તકનો આનંદ માણી શકે છે. નિયમો અને સ્વતંત્ર અભિવ્યક્તિના સંયોજનને સંશોધકોને સમજાવ્યું કે મુતવા ભરતકામની દુનિયા સમજદારી અને સમૃદ્ધિનું પ્રતિબિંબ પૂરું પાડે છે.
મુતવા ભરતકામની સમૃદ્ધ દુનિયા : મુતવા ભરતકામની દુનિયા ખૂબ સમૃદ્ધ અને ખુલ્લી છે. મુતવા ભરતકામ કરતી મહિલાઓને અન્ય પરંપરાગત ભરતકામ કરવામાં ખાસ રુચિ છે, ખાસ કરીને એવા ટાંકા અને ભરતમાં જે તેમના કામમાં ઉપયોગી થાય છે અથવા તેમના ભરતમાં આકર્ષક તત્વ ઉમેરે છે. કારીગર બહેનો આ તત્વોને પોતાની કળામાં લઈ તેને પોતાના અનોખા અંદાજમાં ફેરવી નાખે છે. સાથે જ તેઓ આ કળાની મૂળ પરંપરાનું માન પણ રાખે છે.
મુતવા કારીગર બહેનો : મુતવા કારીગર બહેનો રૂપાંતરિત ટાંકાઓને તેમના નિયમિત મુતવા નામથી બોલાવે છે. તેઓ બન્નીના હાલેપોત્રા સમુદાય પાસેથી સોનેરી-રૂપેરી દોરાના તારથી બનતો મુક્કો ભરત શીખ્યા છે. હસ્તકળા કરતી મહિલાઓએ મુતવા ટાંકાનો ઉપયોગ કરીને મુક્કો ભરતનું એક મુતવા સંસ્કરણ બનાવ્યું, પરંતુ તેને વિશિષ્ટ મુક્કો શૈલીમાં રૂપાંતરિત કર્યું.
મુતવા કારીગર બહેનો રૂપાંતરિત ટાંકાને તેમના નિયમિત મુતવા નામથી બોલાવે છે, પરંતુ તેમના મુક્કો મૂળને દર્શાવવા માટે તેમાં એક ઉપસર્ગ ઉમેરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કારીગર બહેનો મુક્કો ભરત માટે આકનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ તેને મુક્કે જી આક કહે છે. કારીગર બહેનો તેમના રોજબરોજના કપડાં પર બહારથી અપનાવેલ ટાંકાનો ઉપયોગ કરે છે, પરંતુ અસલી મુતવા મૂળના ટાંકાને તો તેઓ પ્રાસંગિક કપડા માટે સાચવી રાખે છે. અત્યારે પણ બન્નીના 7 ગામોની મહિલાઓએ મુતવા ભરતકામને ટકાવી રાખ્યું છે.