કચ્છઃ પરસોતમ રુપાલા વિરુદ્ધ રાજપૂત સમાજનો વિરોધ ઉગ્ર બનતો જાય છે. કચ્છ જેવા સરહદીય જિલ્લામાં પણ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાને આજે આ વિરોધનો અનુભવ કરવો પડ્યો હતો. વિરોધની ઉગ્રતા જોઈને વિનોદ ચાવડાએ અબડાસાના મોથાળા ગામે ચૂંટણી પ્રચાર અટકાવીને ત્યાંથી ચાલતી પકડી હતી.
ચૂંટણી પ્રચાર અટકાવવો પડ્યોઃ કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને અબડાસા તાલુકાના મોથાળા ગામમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેમ ના પ્રવાસ દરમિયાન પણ પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન બાબતે વિરોધ થયો હતો જેના પરિણામે ભાજપ ઉમેદવારે પ્રવાસ ટુંકાવી જવું પડ્યું હતું. વિનોદ ચાવડાના પ્રચાર પ્રસાર દરમિયાન ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
બેનર્સ લગાડાયાઃ કચ્છના વિવિધ ગામોમાં પુરૂષોત્તમ રૂપાલાના વિરોધ બાબતે પોસ્ટર લાગ્યા કચ્છમાં પણ હવે આ મામલે વિરોધ ઉગ્ર થતો હોય તેવુ લાગી રહ્યુ છે. આજે અબડાસામાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ગામમાં આવવુ નહી તેવા બેનરો લાગ્યા હતા. પ્રવાસ દરમ્યાન મોથાળા ગામે જ્યારે ભાજપના આગેવાનો અને વિનોદ ચાવડા પ્રચાર માટે પહોંચ્યા ત્યારે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્તને લીધે મામલો શાંતઃ ઉલ્લેખનીય છે કે અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા જેઓ પણ ભાજપના પ્રચાર દરમ્યાન હાજર હતા અને તેઓ પણ એક ક્ષત્રિય આગેવાન છે તેમણે પણ લોકોને સમજાવવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ લોકોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ કરી પરસોતમ રૂપાલા મામલે પોતાની નારજગી વ્યક્ત કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાને લીધે મામલો બિચક્યો નહીં નહિતર હજૂ વધુ ઉગ્ર વિરોધ પ્રદર્શન થવાની સંભાવના હતી.