કચ્છઃ નર્મદાના પાણી વાગડ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ મનાતા હતા. જો કે આ આશીર્વાદ આજે અભિષાપ બની ગયા છે. આ જ પાણીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાપર તાલુકાના વરણું ગામ પાસે આજે નર્મદાની પેટા કેનાલમાં પડેલાં ગાબડાંના કારણે લાખો લીટર પાણી વહી ગયું હતું. આ પાણી ખેતરોમાં ફરી વળતા જીરુના પાકમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પેટા કેનાલમાં ગાબડાંની જાણ નર્મદા નિગમને થતા અધિકારીઓ દ્વારા કેનાલનું સમારકામ શરુ કરી દેવામાં આવ્યું હતું.
લાખોનું નુકસાનઃ રાપર તાલુકાના વરણું ગામના સરપંચ રમેશ મારાજે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે નર્મદાની સુખપર વરણું માઈનર કેનાલમાં નબળી કામગીરીને લઈ ગાબડું પડી ગયું હતું. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ઘુસી જતા જીરાના ઊભા પાકને નુકસાન થયું છે. પેટા કેનાલની બાજુમાં ખેતર ધરાવતા ખેડૂત કોલી અરજણ બાબના ખેતરમાં પાણી ઘુસી જતા જીરામાં આશરે 4.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. રાપર અને વાગડ વિસ્તારના લોકો દ્વારા વરણું સુખપર, કાનમેર, ગાગોદર સહિતના વિસ્તારમાં નર્મદાની પેટા કેનાલોમા કામગીરી સારી રીતે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડ્યું હતું ત્યારે કેનાલની નબળી કામગરી પર પણ પ્રશ્નો ઊભા થયા હતા.
યુદ્ધના ધોરણે સમારકામઃ પેટા કેનાલમાં ગાબડાં પડ્યાંની જાણ થતાં જ નર્મદા કેનાલના અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી પાણીનો વેડફાટ અટકાવ્યો હતો. નર્મદા નિગમના અધિકારી એસ.બી.રાવે જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા હાલમાં સિંચાઈની પ્રક્રિયા બંધ છે. કેનાલમાં પાણીનો પ્રવાહ એક જ સ્થળે વધી જવાથી પેટા કેનાલમાં ચાર મીટરના પ્રવાહનું દબાણ સહન ના થતા ગાબડું પડયું હતું.