ભૂજ: કચ્છના પ્રવાસન વિકાસને વૈશ્વિક સ્તરે પહોંચાડનાર રણોત્સવ કે જે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે તો છે, જ સાથે સાથે રણોત્સવના કારણે આ વિસ્તારના ગામોનો પણ વિકાસ થયો છે તેમજ સ્થાનિક લોકોને પણ રોજગારી મળી છે. ક્ચ્છ જિલ્લાના ધોરડો ગામ ખાતે દર વર્ષે અગાઉ 3 દિવસ માટે યોજાતો રણોત્સવ હવે 125 દિવસ માટે યોજાય છે.
રણોત્સવ 2024-25
રણોત્સવની વાત કરવામાં આવે તો વર્ષ 2005માં રણોત્સવની શરુઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં રણોત્સવ માત્ર 3 દિવસ માટે જ યોજાતો હતો. જ્યારે લોકો પ્રથમ વખત આ રણનો નજારો માણે છે. ત્યારે આ મીઠાનો રણ જોઈને તેઓ અભિભૂત થાય છે અને રાત્રીના સમયે ચાંદની રાત દરમિયાન સફેદ રણનો જે આહ્લાદક દ્ર્શ્ય તેઓ જાણે છે આશ્ચર્યચકિત થઈ જાય છે.
રણોત્સવના કારણે સરહદી અને છેવાડાના ગામોનો વિકાસ
દર વર્ષે જેમ-જેમ રણોત્સવ યોજાતો ગયો તેમ-તેમ ગુજરાત ટુરિઝમ દ્વારા પણ રણોત્સવને વધુ ઉંચાઈઓ આપવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તો રણોત્સવને ખરા અર્થમાં સફળ બનાવવા માટે રણોત્સવ જ્યાં યોજાય છે તે ગામ ધોરડો અને આસપાસના ગામો તેમજ રાજ્ય સરકારનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. રણોત્સવ થકી કચ્છ જિલ્લાના સરહદી અને છેવાડાના ધોરડો, ખાવડા, હોડકો, ભિરંડીયારા જેવા ગામોમાં અનેક વિકાસના કામો થયા છે.
સ્થાનિક રહેવાસીઓને મળે છે રોજગારી
રણોત્સવને કારણે છેવાડાના અને સરહદી ગામોમાં સારા રોડ બન્યા છે, તો સાથે જ રણોત્સવના પ્રવાસીઓને આવકારવા માટે આજુબાજુનાં ગામોના સ્થાનિક રહેવાસીઓએ પોતાની હોટલો, ચા પાણી અને નાસ્તાની દુકાન શરૂ કરી છે, જે દર વર્ષે ધમધમી ઉઠી છે. તો બન્ની નસલની લાખેણી ભેંસોના દૂધમાંથી બનતી મીઠાઈ મીઠો માવો કે જેનો રણોત્સવના 4 માસ દરમિયાન કરોડોમાં બન્ની વિસ્તારના વેપારીઓને આવક થાય છે.
મેનેજમેન્ટ, હસ્તકલા, ટુરિસ્ટ ગાઈડ, રિસોર્ટ સંચાલન થકી મેળવે છે લોકો રોજગારી
આ ઉપરાંત સ્થાનિક લોકોને રણોત્સવની ટેન્ટ સિટીમાં પણ રોજગારી મળે છે તો સાથે જ માલધારીઓને ઊંટગાડી, ઘોડા ગાડી ચલાવીને પણ રોજગારી મેળવે છે.તો સાથે જ રણોત્સવના સમયે અહીંના લોકો તમામ પ્રકારનું મેનેજમેન્ટ કરીને, તથા કલાકારો હેન્ડિક્રાફ્ટની ચીજવસ્તુઓની બનાવટોનું વેંચાણ કરીને, રિસોર્ટ દ્વારા, ટુરિસ્ટ ગાઈડ બનીને, ઊંટ ગાડી ચલાવીને રોજગારી મેળવી રહ્યા છે.
ધોરડોને વર્લ્ડના બેસ્ટ ટુરિઝમ વિલેજમાં સમાવાયુ
ધોરડો ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું કે, કચ્છના આ વિસ્તારમાં અગાઉ રોડ રસ્તાની સુવિધાઓ ન હતી તો કોઈ પણ પ્રકારનો વિકાસ છેવાડાના ગામડાઓનો જોવા મળતો ન હતો જ્યારથી રણોત્સવ શરૂ થયું છે ત્યાર બાદથી આ વિસ્તારના ગામડાઓનો વિકાસ થતો છે પાકા રોડ રસ્તા બન્યા છે પ્રાથમિક સુવિધાઓ વિકસી છે તો ધોરડો ગામને વર્લ્ડના બેસ્ટ ટુરિઝમ વિલેજમાં સમાવવામાં આવ્યો છે.તો અહીંની આસપાસની નાની હોટલોના ધંધાર્થીઓ રણોત્સવ પર નિર્ભર થયા છે.
સુંદર, સ્વચ્છ અને સુવિકસીત છે ધોરડો ગામ
ધોરડો ગામમાં પણ સમરસ ગ્રામ પંચાયત છે એટલે કે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો સાથે સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટાયા છે અને છેલ્લા અનેક વર્ષોથી તેઓ સરપંચપદે કાર્યરત છે.અહીંના ગામોમાં અનેક જાતના વિકાસ થયા છે જેમાં પાણીની સવલતની વાત કરવામાં આવે તો દરેક ઘરમાં ઘરેલું ઉપયોગ માટે પાણીના નળનું કનેક્શન છે.તો ગામમાં 81000 કયુબિક મીટર પાણીની ક્ષમતા વાળા 2 તળાવ આવેલા છે. તો ગામડાઓમાં ફિલ્ટરેશન પ્લાન્ટ પણ આવેલા છે.આ ઉપરાંત 30,000 લીટરની ક્ષમતાનું પાણીનો ટાંકો આવેલો છે.સાથે જ અહીંના આસપાસના ગામડાઓમાં 100 ટકા સ્વચ્છ ભારત મિશનની અમલવારી પણ જોવા મળે છે અહીંના દરેક ઘરમાં શૌચલયની સુવિધા પણ ઉપલબ્ધ છે.
66 kv નું પાવર સબ સ્ટેશન, ટેલી કોમ્યુનિકેશન માટે નેટવર્ક
ગામમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવેલું છે. અન્ય વિકાસના કાર્યોની વાત કરવામાં આવે તો સરકારી શાળા પણ અહીં આવેલી છે જેમાં ડિજિટલ ક્લાસરૂમની આધુનિક સુવિધા પણ ઉપલબ્ધ છે જ્યાં વિદ્યાર્થીઓ ધોરણ 10 સુધીનું અભ્યાસ કરી શકે છે.ઉપરાંત અહીંના ગામોમાં સોલાર સ્ટ્રીટ લાઈટ, સીસી રોડ, ઘડુલી સાંતલપુર નેશનલ હાઈ વે, રોડ ટુ હેવન ઉપરાંત ગામમાં 66 kv નું પાવર સબ સ્ટેશન પણ આવેલું છે. તો આધુનિક જમાના સાથે ચાલવા માટે ટેલી કોમ્યુનિકેશન માટે BSNL, VODAFONE અને jioના 4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે.
રણોત્સવ થકી આસપાસના ગામોનો ગતિશીલ વિકાસ
રણોત્સવ એ દેશ અને વિદેશના પ્રવાસીઓની મુલાકાત અને પોતાની આગવી ઓળખના કારણે જગ વિખ્યાત તો બન્યું જ છે. સાથે સાથે રણોત્સવના કારણે અહીંના ધોરડો, ખાવડા, હોડકો, ભિરંડીયારા સહિતના ગામોમાં પ્રાથમિક સુવિધાઓથી માંડીને આધુનિક સુવિધાઓ સુધીનો ગતિશીલ વિકાસ થયો છે.