કચ્છઃ લખપતના ભેખડા ગામે એક સ્થાનિકનું અવસાન થયું હતું. તેમની દફનવિધિ માટે પાણીની જરૂર પડી હતી ત્યારે ગામના લોકોને ફાયર બ્રિગેડના વાહનમાંથી પાણી વાપરવું પડ્યું હતું. તંત્ર દ્વારા ફાયર બ્રિગેડનું વાહન પાણી લઈને પહોંચતા ગ્રામ્યજનોના આશ્ચર્યનો પાર ન રહ્યો.
દફનવિધિ માટે ફાયર બ્રિગેડનું પાણીઃ કચ્છના સરહદી વિસ્તારના લખપત તાલુકામાં ભરઉનાળે પાણીની પરિસ્થિતિ વિકટ બની રહી છે. આ તાલુકાના ગામડાઓમાં છેલ્લાં કેટલાક દિવસથી પાણી ન મળતાં લોકો રોષે ભરાયાં છે. તંત્ર દ્વારા મરણવિધિ માટે પાણી ટેન્કરને બદલે ફાયર બ્રિગેડના વાહનથી પાણી પહોંચાડાતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
ગામના અગ્રણી આરબ જતે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં એક નાગરીકનું અવસાન થતાં તેના દફનવિધિ માટે પાણીની જરૂર પડી હતી. પાણી પુરવઠા વિભાગ અને જીએમડીસીને જાણ કરવામાં આવી હતી પણ તેમની પાસે ટેન્કર ન હતાં અંતે પાન્ધ્રો વીજ મથકના અધિકારીને જાણ કરવામાં આવતા ટેન્કરના બદલે અગ્નિશમન દળનું વાહન મોકલવામાં આવ્યું હતું. ગામના લોકોને પણ પાણીની કટોકટી વચ્ચે ફાયર બ્રિગેડના વાહનમાંથી પાણી ભરવું પડ્યું હતું.
અનેક ગામડામાં પાણીની અછતઃ આ ઉપરાંત લખપત તાલુકાના આડા, સાંયરા, ગુનેરી, પુનરાજપર, બૈયાવા, માલડો, ધારેશી જેવા ઘણા ગામોમાં હાલમાં પાણીની તકલીફ પડી રહી છે. આ અગાઉ 2 દિવસ માટે લાઈનની મરામત માટે પાણી પુરવઠા તંત્રએ પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરી હતી. હાલમાં લાઈન તૂટી જતાં પાણી બંધ થઈ ગયું છે. વધુમાં તાલુકાના ગોધાતડ ડેમમાં પાણી છે છતાં અવ્યવસ્થાના કારણે ગામડાઓમાં પાણી પહોંચી શકતું નથી. લખપત તાલુકામાં મોટી માત્રામાં પશુધનની હોવાના કારણે પાણીની તાતી જરૂરીયાત છે. અનિયમિત અને ઓછું પાણી મળતાં ગામડાઓમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
લખપત તાલુકા વિસ્તારના પાણી પુરવઠા અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે, માતાના મઢ પાસે ડેમનું કામ ચાલતું હતું ત્યારે ઠેકેદાર દ્વારા મશીનથી પાણીની મુખ્ય લાઈન નુકસાનગ્રસ્ત થઈ હતી. જેની જાણ પાણી પુરવઠાના અધિકારીઓને થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને 2 દિવસમાં રિપેર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.