કચ્છઃ કચ્છના આહીર સમાજના ગામોમાં પ્રાથળીયા આહિર સમાજના સમૂહલગ્નમાં આહીર અગ્રણીએ પુત્રના લગ્નની કંકોત્રીમાં સરકારી યોજના પ્રધાનમંત્રી સૂર્ય ઘર-મફત વીજળીને સ્થાન આપ્યું છે. આ યોજનાને વિગતવાર આ કંકોત્રીમાં દર્શાવામાં આવી છે. આ પહેલને સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ અભિનંદન આપ્યા છે.
લોકજાગૃતિની અનોખી પહેલઃ કચ્છના આહીર સમાજના ગામોમાં પ્રાથળીયા આહિર સમાજના લગ્નોત્સવમાં આહિર સમાજના યુગલો મોટી સંખ્યામાં દાંપત્યજીવનમાં જોડાયા હતા. અંજાર તાલુકાના સતાપર ગામના આહિર સમાજના અગ્રણીએ પુત્રના લગ્ન નિમિતે પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની વિગત દર્શાવતી કંકોત્રી છપાવતા આ કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
શા માટે આ પગલું ભર્યુ?: કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ કાનજીભાઈ માતા(આહીર)એ તેમના પુત્ર રોહનના લગ્ન નિમિત્તે વિશિષ્ટ કંકોત્રી તૈયાર કરાવી હતી. જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર:મુફ્ત બીજલી યોજનાની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી હતી. આ યોજના અંતર્ગત થતા નાણાંની બચત, વાતાવરણ પર થતી અનુકૂળ અસર, મિલકતની કિંમત, જનસમુહને થતા લાભ, સબસીડી જેવા લાભો લોકો સહેલાઈથી સમજી શકે તે રીતે દર્શાવવામાં આવ્યું હતું.
4000 જેટલા તુલસીનાં રોપાઃ આ ઉપરાંત કંકોત્રીમાં સોલાર રૂફટોપ મેળવવા માટે નેશનલ પોર્ટલનો ક્યુઆર કોડ અને લિંકને પણ દર્શાવવામાં આવ્યું છે. જેથી કરીને આ યોજનાનો લાભ મેળવતા લોકો આ યોજના અંગે સરળતાથી વેબસાઈટ પર માહિતી મેળવી શકે. આ ઉપરાતં રવિવારના દિવસે યોજાનારા સત્કાર સમારંભ પણ અંજારના પવિત્ર ગોવર્ધન પર્વત પર રાખવામાં આવ્યો છે. જેમાં 4000 જેટલા તુલસીનાં રોપા સુશોભિત કુંડાઓ સાથે મહેમાનોને પર્યાવરણનાં જતનની અપીલ સાથે આપવામાં આવશે.
અંધારી તેરસના લગ્નઃ સોલાર એનર્જી માટે વિચાર આવનાર ગોપાલભાઈ માતાએ જણાવ્યું હતું કે, પ્રાથળીયા આહિર સમાજમાં એક જ દિવસ અંધારી તેરસના લગ્ન થતા હોય અને સમગ્ર કચ્છમાં ઉત્સવનો માહોલ જોવા મળતો હોય છે. આ પ્રેરણા મળવાનું કારણ એ છે કે અખિલ ગુજરાતની વિદ્યુત કામદાર સંઘનો ઉપપ્રમુખ તથા કચ્છ સૌરાષ્ટ્ર pgvcl કોન્ટ્રાકટર એસોસિયેશનના પ્રમુખમાં નાતે સમગ્ર રાજ્ય અને કચ્છ જિલ્લાની અંદર જ્યારે પરિવાર સાથે બેસવાનું થતું હોય છે. જેમાં pgvclનું ઉચ્ચ મેનેજમેન્ટ હોય , કોન્ટ્રાકટર એસોસિયેશનની ટીમ હોય કે આખો ગુજરાત વિદ્યુત કામદાર સંઘની ટીમ હોય કે સરકાર હોય ત્યારે એની સાથે બેસતા હોય ત્યારે બધી કચ્છની ચર્ચા થતી હોય છે.
એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ કચ્છમાંઃ કચ્છમાં એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ કચ્છની અંદર સ્થાપિત થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં જે રીતે ગુજરાતની અંદર 24 કલાક વીજળીની શરૂઆત કરી હતી અને આજે સમગ્ર વિશ્વ એની નોંધ લઈ રહ્યું છે ત્યારે સોલારના આયોજનની સમગ્ર કચ્છ પ્રેરણા લેશે. જેના માટે આ પત્રિકા 3500થી 4000 પત્રિકાઓ વિતરણ કરાઈ છે. સોલાર અપનાવવાથી થતા ફાયદા અંગે પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલારથી વીજળી બિલમાંથી મુક્તિ થશે અને ઈંધણ પણ બચશે.