કચ્છઃ ભચાઉના કરમરીયા ગામે વિશ્વ કલ્યાણ અર્થે ફક્કડ પંકજ મુનિ દેવે 21 દિવસીય અગ્નિતપસ્યાનો આરંભ કર્યો છે. ગાયના છાણાઓથી બનાવેલ વર્તુળમાં દિવસ દરમ્યાન અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે અને તેની મધ્યમાં પંકજ મુનિ સવારથી સાંજ સુધી અન્ન-જળ વિના તપસ્યા કરે છે. મુનિના દર્શન માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોના આસ્થાળુઓ ઊમટે છે.
વિવિધ 11 તપસ્યાઓઃ મૂળ મઘ્યપ્રદેશના ખાંડવા જિલ્લાના ફક્કડ પંકજ મુનિ સમગ્ર વર્ષ દરમિયાન ભારત ભ્રમણ કરતા રહે છે. તેમણે ઉનાળામાં કચ્છના ભચાઉના કરમરીયા ગામે શૂરાપૂરા દાદાના સાંનિધ્યમાં અગ્નિ તપસ્યા શરૂ કરી છે. આ અગ્નિતપસ્યામાં દરરોજના 2 ટેક્ટર ભરીને ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. ગામના સરપંચ શંકરલાલ પુનભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, મુનિ મહારાજ દ્વારા અત્યાર સુધીમાં કચ્છમાં 11 વખત વિવિધ તપસ્યાઓ કરવામાં આવી છે. અગાઉ મુનિ દ્વારા એસ.આર.પી. કેમ્પ નજીક હનુમાન મંદિરમાં તેમના દ્વારા અગ્નિ અને એકાશન તપાસ્યા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ મુનિજી શિયાળામાં જળ સાધના પણ કરતા હોય છે. તો એકાશન તપસ્યામાં તેઓ ચાર થી છ મહિના સુધી અન્ન-જળ વિના એક જ અવસ્થામાં બેસીને તપ કરતા હોય છે.
માનવજીવનનું કલ્યાણઃ સ્થાનિક અગ્રણી જેન્તી પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, પંકજ મુનિ દ્વારા અગ્નિ સાધનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સમગ્ર કચ્છ અને ગુજરાતમાંથી લોકો આ મુનિજીની સાધનાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. 44 ડીગ્રી જેટલા તાપમાનમાં સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી પંકજ મુનિ દ્વારા અગ્નિ સાધના કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ અગ્નિ સાધનાના માધ્યમથી માનવજીવનનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના છે. તો 21 દિવસ સુધી અહીંની સ્થાનિક ગૌશાળાની ગાયો માટે ચારો પણ નાખવામાં આવશે.