કચ્છઃ ગુજરાતનું કચ્છ અનેક પ્રકારની કલા કારીગરી માટે પ્રખ્યાત છે. કચ્છના અનેક કારીગરોએ દેશ-વિદેશમાં પોતાની કળાની સુવાસ ફેલાવી છે અને અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે. આવા જ એક કલાકાર છે કચ્છની બાંધણી બનાવનાર અબ્દુલવહાબ ખત્રી.
25 વર્ષીય બાંધણી કારીગરઃ કચ્છની બાંધણી પૂરા વિશ્વમાં પ્રખ્યાત છે. કચ્છી માડુઓની આ આગવી કળા લગભગ 200 વર્ષોથી વધુ સમયથી પ્રચલિત છે. 25 વર્ષીય કારીગર અબ્દુલ વહાબ ખત્રી આમ તો સાતમા આઠમા ધોરણથી જ આ કળામાં રસ ધરાવતો થઈ ગયો હતો. તે પોતાના માતા-પિતા સાથે આ કામ કરતો હતો. વર્ષ 2017માં તેને એક વર્ષના અભ્યાસ બાદ કોલેજ છોડી આદિપુરની સોમૈયા કલા વિદ્યાલયમાંથી ફેશન ડિઝાઈનરનો કોર્સ કરીને તાલીમ પણ મેળવી છે.
વિવિધ માધ્યમથી વેચાણઃ અબ્દુલવહાબ ખત્રી વિવિધ પ્રકારની બાંધણી બનાવે છે. સાથે સાથે ઓફ્લાઈન સ્ટોર, એક્ઝિબિશન અને ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની કળા પ્રદર્શિત કરીને બાંધણીના પ્રોડક્ટ્સનું દેશ વિદેશમાં વેચાણ કરી રહ્યો છે.
કચ્છી બાંધણીનો ઈતિહાસઃ કચ્છમાં બાંધણી ટાઈ અને ડાઈ ક્રાફ્ટ તરીકે પણ પ્રખ્યાત છે. બાંધણીના ઈતિહાસની વાત કરવામાં આવે તો તે 12મી સદી સાથે સંકળાયેલ છે. ખત્રી સમુદાયના સભ્યો સિંધથી સ્થળાંતર થયા પછી કચ્છમાં સ્થાયી થયા હતા. 18મી સદીમાં અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બાંધણી નિકાસ સાથે સ્થાનિક આવકના મુખ્ય સ્રોત બન્યા હતા. સ્થાનિક બ્લોક પ્રિન્ટર્સની જેમ, બાંધણી કારીગરો સ્થાનિક ફળો તેમજ વનસ્પતિના રંગોનો ઉપયોગ તેમના કપડાને ચમકતી શ્રેણીમાં રંગવા માટે કરતા હતા. કાપડના એક ભાગની આસપાસ એક દોરાને ચુસ્તપણે બાંધી દેવાની ટેકનિક, તેનું ડાઈંગ કરવું, ગોળાકાર પ્રતિકારક ઢબને જાહેર કરવા દોરાને દૂર કરવા આજે પણ આજ રીતે બાંધણી બની રહી છે.
બાંધણી બનાવવાની પ્રક્રિયાઃ બંધાણીની કલા એક ખૂબ કુશળતા માંગી લે છે. સૌપ્રથમ એક કાપડ પર ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે ત્યાર બાદ એ ડિઝાઈન પર સ્ટેન્સિલ રાખીને તેના પર કાણા કરવામાં આવે છે. ત્યાર બાદ કાપડ પર સ્ટેન્સિલ રાખીને રંગનો પોતું ફેરવવામાં આવે છે. આ પ્રકિયા બાદ કાપડને ઘણે સ્થળે દોરા વડે સજ્જડ બાંધી સજ્જડ રીતે રંગમાં બોળવામાં આવે છે. તેમાં ચંદ્રકલા, બાવન બાગ, શિકારી વગેરે જેવી ડિઝાઈન મુખ્ય છે. નક્કી કરેલી ડિઝાઈન અનુસાર દોરા વડે કાપડ બાંધણીનું કામ કરવામાં આવે છે. બાંધણીની વિવિધ પ્રોડક્ટ્સ બનાવવા માટે મુખ્યત્વે પીળો, લાલ, વાદળી, લીલો અને કાળો રંગ વપરાય છે.
15 દિવસથી 1 વર્ષ સુધીનો સમયઃ બાંધણી સાડી બનાવતા 15 દિવસથી કરીને 1 વર્ષ સુધીનો સમય લાગે છે. બાંધણીની લંબાઈ પણ લગભગ 6 મીટર, સાડા 5 મીટર, 5 મીટર, સાડા 4 મીટર કે 4 મીટર જેટલી હોય છે. બાંધણીની પ્રોડક્ટ્સની કિંમત તેના કાપડ તેમજ તેની ડિઝાઈનની વિવિધતા પર આધારિત છે. બાંધણીનો મોટાભાગે ઉપયોગ દિવાળી કે નવરાત્રીના દિવસોમાં તેમજ લગ્નો પ્રસંગોમાં વધુ જોવા મળે છે.
વાર્ષિક 1 કરોડનું ટર્ન ઓવરઃ અબ્દુલવહાબ ખત્રી 2000 રૂપિયાથી લઈને 80,000 સુધીની કિંમતની પ્રોડક્ટ્સ બનાવે છે. ભારતના જાણીતા મેટ્રો સિટીના લોકો તેને ખરીદે છે. બાંધણીની શ્રેષ્ઠ જાતોમાં આંબાડાળ, રાસમંડળ, શિકારી, ચાંદ્રોખણી ખૂબ વખણાય છે. અબ્દુલવહાબ ખત્રીએ જણાવ્યું હતું કે, વિદેશમાં માત્ર 2 જેટલા ગ્રાહકો સાથે સંકળાયેલ છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં પણ પોતાના ગ્રાહકો ઊભા કરીને સમગ્ર વિશ્વમાં પોતાની બ્રાન્ડ યુ.કે. ફેબ્રિકસ અને મુફસલની બાંધણી લોકપ્રિય કરવા ઈચ્છે છે. હાલમાં કચ્છી બાંધણીનો આ કલાકાર ઓનલાઈન અને ઓફ્લાઈન પોતાની બાંધણીની પ્રોડક્ટ્સનું વેંચાણ કરીને વાર્ષિક 1 કરોડ જેટલું ટર્ન ઓવર કરી રહ્યો છે.
પુરસ્કારોઃ તાજેતરમાં જ અબ્દુલવહાબ ખત્રીને સોશિયલ સ્ટાર્ટઅપ કારીગર ક્લિનિક દ્વારા આઉટ સ્ટેન્ડિંગ કારીગર એન્ટરપ્રેન્યોરના ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો અગાઉ પણ બાંધણી માટે તેને કમલાદેવી પુરસ્કાર ઉપરાંત તેને યંગ આર્ટીઝનનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
2 બ્રાન્ડનું ઓનલાઈન માર્કેટિંગઃ અબ્દુલવહાબ ખત્રીના ભાઈ મહોમ્મદ ઉબેરે જણાવ્યું હતું કે, તેઓ 2 પેઢી ચલાવે છે અને સોશિયલ મીડિયા જેવા કે ઈન્સ્ટાગ્રામ ફેસબુક પર તેમજ વ્હોટસએપ પર ફોટો અને વિડિયો પોસ્ટ કરી માર્કેટિંગ કરી વેંચાણ કરવાનું સંભાળે છે. ઓનલાઈન ગ્રાહકો વધારે માત્રામાં મળતા હોય છે. તેમજ સરકારી એક્ઝિબિશનમાં પણ ભાગ લે છે જેથી કચ્છની બાંધણીના ગ્રાહકો તો વધે જ છે સાથે સાથે બાંધણીનું પ્રચાર પ્રસાર પણ થાય છે.