કચ્છઃ અંજાર પોલીસ સ્ટેશન ખાતે BNS મુજબ કચ્છમાં હત્યાનો પ્રથમ ગુનો નોંધાયો છે. અંજારના સિનુગ્રાના સ્ટોન ક્રશર પ્લાન્ટમાં કામ કરતા બે મજૂરે ભેગાં થઈ સહમજૂરને માથામાં પથ્થર ઝીંકી મારી નાખ્યા હોવાની ઘટના ગત મોડી રાત્રે બની હતી. ઘાયલ મજૂરને પ્લાન્ટના માલિક દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મજૂરને મૃત જાહેર કર્યો હતો. પ્લાન્ટના માલિકે અંજાર પોલીસ સ્ટેશન ખાતે બન્ને આરોપી મજૂરો વિરદ્ધ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
પથ્થરથી માથુ છુંદી કાઢ્યુંઃ અંજાર તાલુકાના સિનુગ્રા ગામના સીમાડે આવેલ ભાગ્યલક્ષ્મી ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્લાન્ટ કે જે એક સ્ટોન ક્રશર પ્લાન્ટ છે. તેમાં 10 જેટલા મજૂરો કામ કરે છે અને ત્યાં સ્થાનિકે જ રહે છે.જે મજૂરો પૈકી એક મજુર ચરકુનાગ ઇન્દ્રો સાહુ કે જેને ભિમસિંગ અને સાગર ઉર્ફે બહેરા સાથે છેલ્લા છ માસમાં મનમેળ નહોતો બેસતો અને અવારનવાર ઝઘડા થતા હતા.ગઈ કાલે રાત્રિના સમયે આઠ વાગ્યાના અરસામાં મરણ પામનાર મજુર ચરકુનાગ સાહુ પ્લાન્ટ બહાર જતો હતો ત્યારે આરોપી મજુર ભીમસિંગ અને સાગર બેઉ તેની પાછળ ગયા હતા.
આરોપી મજૂરો નાસી છૂટયાઃ બંને આરોપી મજૂરોએ પ્લાન્ટ બહાર જ ચરકુનાગ સાથે ઝઘડો કર્યો હતો અને તેને ધક્કો મારી નીચે પાડી દીધો હતો.ત્યાર બાદ ભીમસિંગે ચરકુનાગને પકડી રાખ્યો હતો અને સાગરે ચરકુનાગના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો. આ ઝઘડાના પગલે પ્લાન્ટમાં કામ કરતા અન્ય મજૂરો પણ બહાર દોડી આવ્યા હતા જેથી કરીને બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતાં.
પ્લાન્ટના સંચાલકે ફરિયાદ નોંધાવીઃ સમગ્ર ઘટના અંગે પ્લાન્ટમાં કામ કરતા અન્ય મજુર લાલદેવ અને મહેશે પ્લાન્ટના સંચાલક જતીન સોરઠીયાને કરતા સંચાલક સ્થળ પર દોડી આવ્યા હતા અને જમીન પર ઘાયલ હાલતમાં પડેલાં ચરકુનાગને સ્થાનિક રામબાગ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ત્યાર બાદ પ્લાન્ટના સંચાલકે બન્ને આરોપી મજૂરો વિરૂદ્ધ અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
BNS કાયદા હેઠળ કચ્છમાં પ્રથમ કેસઃ અંજાર પોલીસ સ્ટેશન ખાતે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1), 3 (5) હેઠળ તેમજ જી.પી. એ કલમ 135 હેઠળ બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે .તેમજ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ અજયસિંહ ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.