કચ્છ : માંડવીમાં બે માસૂમ બાળકો તલાવડીમાં ડૂબી જતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. મારવાડા પરિવારના બે બાળકો ભેંસ ચરાવવા ગયાને તળાવમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી રહી છે.
તલાવડીમાં ડૂબ્યા બે બાળકો : માંડવીના ન્યૂ મારવાડા વાસમાં રહેતા બે બાળકો 12 વર્ષીય હીરજી મારવાડા તથા 10 વર્ષીય ઓકેશ મનજી મારવાડા ભેંસો ચરાવવા માટે માંડવી-નલિયા રોડ પર આવેલા રોયલ વિલા બાજુ ગયા હતા. જોકે, ત્યાં આવેલ તલાવડીમાં બંને બાળકોના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ હતી. બાળકો ડૂબ્યાના સમાચારથી 10 વર્ષીય મૃતક ઓકેશના પિતા મનજીભાઈ પણ બેહોશ થઈ ગયા હતા.
ભેંસ ચરાવવા ગયા બાળકો : બાળકો ભેંસ સાથે ગયા હતા. મોડેથી ભેંસો રાબેતા મુજબ પાછી આવી ગઈ હતી, પરંતુ બાળકો પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી. ભેંસો જે રસ્તે જતી હોય એ જગ્યાએ તપાસ કરતા તળાવ પાસે બંને બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને સ્થાનિક તરવૈયાઓ પણ બાળકોને શોધવા માટે તળાવમાં કુદી પડ્યા હતા. બાળકોના મૃતદેહ મળતા પરિવારજનો હતપ્રભ થયા હતા.
બાળકોના મૃતદેહ મળ્યા : બંને કૌટુંબિક ભાઈઓ માંડવી-નલિયા રોડ પર ભેંસો ચરાવવા ગયા હતા. મોડેથી ભેંસો ઘરે પરત આવી ગઈ, પરંતુ બંને છોકરા પરત ન આવતાં કુટુંબીજનો તપાસ કરવા ગયા હતા. રોયલ વિલાની બાજુમાં આવેલી નાની તલાવડીમાં કિનારા પાસે બંને છોકરાના ચંપલ તથા લાકડી પડી હતી. સ્થાનિક તરવૈયાને જાણ કરતા તેઓ બનાવના સ્થળે પહોંચ્યા, સાથે જ મારવાડા સમાજના લોકો પણ પાણીમાં કૂદીને બાળકોને શોધવામાં મદદરૂપ થયા હતા.
મૃતકના પિતા થયા બેહોશ : ઉલ્લેખનીય છે કે, રેતી ચોરી કરતા ટ્રેક્ટરો દ્વારા કરાયેલ ખાડામાં ફસાઈ જવાથી આ બનાવ બન્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો સરકારે આ બાબતે કડક પગલા લેવા જોઇએ તેવો આક્રોશ સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો હતો. બંને બાળકોના ડૂબ્યાના સમાચારથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતક ઓકેશના પિતા મનજીભાઈ બેહોશ થઈ જતાં તેમને પણ તાત્કાલિક માંડવીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.