કચ્છ: ભચાઉના કટારીયા નજીક માતાના મઢથી દર્શન કરી પરત ફરી રહેલા યાત્રાળુઓના ટ્રેકટરને ટ્રકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનાના પરિણામે હળવદ નજીક ખાખરેચી ગામના કોળી સમાજના ત્રણ લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યાં છે અને 10થી વધુ લોકો ઘાયલ થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આજે બપોરના 1 વાગ્યાના આસપાસ આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
બે સ્ત્રી અને એક કિશોરનું ઘટનાસ્થળે મોત: ઘટના સ્થળ પર મૃત્યુ પામનાર 3 લોકો પૈકી બે સ્ત્રી અને એક કિશોરનો સમાવેશ થાય છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, આ હતભાગી મોરબી જિલ્લાના રહેવાસી હતા. જેઓ માતાના મઢના દર્શન કરીને ટ્રેક્ટરમાં બેસીને પોતાના ઘેર પરત કરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓના મૃતદેહો તેમજ ઘાયલોને લાકડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ખરેખર નેશનલ હાઇવે પણ અકસ્માતના પગલે મરણ ચીસોથી કંપી ઉઠ્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: સમગ્ર બનાવમાં હજુ પણ ત્રણ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બે થી ત્રણ જણાને હળવીથી ભારે ઇજા પહોંચતા તેમને વધુ સારવાર માટે સામખીયાળીની માતૃ સ્પર્શ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજું બાજુ અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો અને સુરજબારી ટોલની હાઇવે પેટ્રોલીંગની ટીમે ટ્રાફિકને બાજુના માર્ગે વાળી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સમગ્ર બનાવ અંગે સામખીયાળી પોલીસ સ્ટેશનના પીઆઇ વી. કે. ગઢવી, તેમજ લાકડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: