સુરત : ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલ વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ગરમાયું છે. આ વિરોધના પડઘા હવે સુરત ગ્રામ્ય વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પણ પડ્યા છે. માંગરોળ તાલુકામાં રાજપૂત સમાજના સૌથી મોટા ગામ એવા મોટી પારડી અને લીંબાડા ગામમાં ભાજપના કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી છે.
ભાજપ માટે નો એન્ટ્રી : માંગરોળ તાલુકાના મોટી પારડી અને લીંબાડા ગામમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ઉપરાંત ગામમાં ઠેર ઠેર બેનર લગાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકર્તા અથવા અગ્રણીઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે. મોટી પારડી ગામના રાજપૂતો સાથે અન્ય સમાજના લોકો પણ આ વિરોધમાં જોડાયા હતા.
પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને અમે સખ્ત શબ્દોમાં વખોડી છીએ. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરીએ છીએ. ત્યાં સુધી મોટી પારડી ગામમાં કોઈપણ ભાજપના કાર્યકર્તાઓએ પ્રવેશ ન કરવો. -- ડો. રાજેન્દ્રસિંહ (પ્રમુખ, રાજપૂત સમાજ પ્રગતિ મંડળ)
ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન : રાજપૂત સમાજ પ્રગતિ મંડળ મોટી પારડીના પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માં-દીકરીઓ વિશે જે નિવેદન આપ્યું છે, તેનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાય છે. ક્ષત્રિય સમાજે દેશની અને સમાજ તેમજ બહેન દીકરીઓની રક્ષા માટે બલિદાન આપ્યા છે. આક્રમણ કાર્યોની સામે પોતાની આબરૂ બચાવવા માટે ક્ષત્રિય સમાજની માં-દીકરીઓએ જોહર કરી બલિદાન આપ્યું છે.