અમદાવાદ: રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે 37 દિવસો રહ્યાં છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી રાજ્યવ્યાપી વિરોધનો સૂર બની છે. સોશિયલ મીડિયા અને ત્યાર બાદ ગોંડલના શેમળા ગામ ખાતે ક્ષત્રિય સંમેલનમાં જાહેરમાં માફી માંગ્યા બાદ પણ વિવાદ શમતો નથી. આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લામાં રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રુપાલાને રદ્દ કરવાની માંગણી વ્યાપક બનતી જાય છે. સોમવાર સવારે રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાએ નો-ડ્યૂ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા આરંભી તો રાજકોટ સહિત રાજ્યમાં પરષોત્તમ રુપાલાને ભાજપ ઉમેદવાર તરીકે બદલશે એવી વાતો એ જોર પકડ્યું. તો રાજકોટ ભાજપે તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલાની બાદબાદી બાબતે માત્ર અફવા છે અને રાજકોટ ભાજપ પ્રવક્તાએ રૂપાલાને બદલવાની વાતને એપ્રિલફૂલ ગણાવી છે.
મને કોઇએ દિલ્લી બોલાવ્યો નથી, ક્ષત્રિય સમાજ મને માફ કરશે - પરષોત્તમ રુપાલા
ક્ષત્રિય સમાજ ઉપર વિવાદીત ટિપ્પણી કર્યા બાદ સતત વિવાદમાં રહેલા પરષોત્તમ રુપાલાએ સોમવાર બપોરે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની ઉમેદવારી અંગે સ્પષ્ટતા કરી છે. પરષોત્તમ રુપાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મને કોઇએ દિલ્લી બોલાયો નથી. મારી દ્રષ્ટિએ મુદ્દો પુરો થઈ ગયો છે. ક્ષત્રિય સમાજ મને માફ કરે. મેં મારા વિવાદીત નિવેદન અંગે માફી માંગી લીધી છે. મેં પણ મારાં શાબ્દિક ભૂલની ક્ષત્રિય સમાજ સમક્ષ માફી માંગી છે. મને ક્ષત્રિય સમાજે માફ કર્યો છે. હું 3 અને 4 એપ્રિલના રોજ કેબિનેટ મિટિંગમાં દિલ્લી જવાનો છું, ક્ષત્રિય સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે. વર્તમાન રાજકોટ સાંસદ મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.
વધતા વિરોધ વચ્ચે, મોહન કુંડારિયાને ભાજપ ત્રીજી વખત તક આપી શકે એમ છે
રાજકોટ ઉમેદવાર પરષોત્તમ રુપાલાના વિવાદનો સૌથી મોટો લાભ વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને મળી શકે એમ છે. વર્તમાન સાંસદ મોહન કુંડારિયા થોડા સમયથી હાંસિયા પર ધકેલાયા હતા, પણ પરષોત્તમ રુપાલાની વિવાદીત ટિપ્પણી બાદ ભાજપ ક્ષત્રિય સમાજની નારાજગીને ખાળવા માટે પરષોત્તમ રુપાલાના સ્થાને વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને ત્રીજી વાર ઉમેદવાર જાહેર કરી શકે છે. હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લી ખાતે છે ત્યારે રાજ્યમાં એ વાતોએ વેગ પકડ્યો છે કે, રાજ્યભરના ક્ષત્રિયો ભાજપથી વિમૂખ ન થાય અને તેમનો આક્રોશ શાંત થાય એ ખાતર પરષોત્તમ રુપાલાની ટિકિટ કાપીને મોહન કુંડારિયાને ફરીથી ઉમેદવાર બનાવી શકાય. જેથી ચૂંટણીના 37 દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ભાજપ વિરોધી વાતાવરણ ઠંડુ પડે. આમ પણ ભાજપના સાબરકાંઠા, અમરેલી, વડોદરાના ઉમેદવારો સામે પક્ષ અને સંગઠનથી વિરોધ છે. ભાજપે તેના ઈતિહાસમાં પહેલી વાર સાબરકાંઠા અને વડોદરા એમ બે બેઠકો પરના લોકસભાના ઉમેદવારોને જાહેર કર્યા બાદ બદલ્યા છે, જે દર્શાવે છે કે ભાજપના સંગઠન અને પક્ષમાં જૂથવાદ ચરમસીમાએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યમાં 26 પૈકી 26 બેઠકો પર પાંચ લાખ થી વધુ મતોથી વિજય પ્રાપ્ત કરવાનો સંકલ્પ પક્ષના આંતરિક રાજકારણથી હાંસલ ન થાય એ મુદ્દે કેન્દ્રીય મોવડી મંડળ ચિંતામાં છે.
ક્ષત્રિય સમાજની માફી માંગ બાદ પણ સ્થિતિ થાળે પડતી નથી
પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ અને એ પહેલા સોશિયલ મીડિયામાં માફી માંગ્યા બાદ પણ તેમની સામેેનો વિવાદ શમતો નથી. રાજપુત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ડી.જાડેજાએ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવાની માંગ કરી છે.રાજકોટ બાદ હવે જામનગરના મોટા વાગુદડ ગામે પરષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રહ્યો છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહી કપાઈ ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ, એવાં પોસ્ટર ગામમાં લાગ્યા છે તો જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભમાં જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ નહી કપાય તો ભાજપ વિરોઘી મતદાનનો સૂર પ્રબળ બનતો જાય છે.