સુરત : કોસંબા અને SOG પોલીસે પૂર્વ બાતમીના આધારે હથોડા ગામે આવેલા ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાંથી અધધ કહી શકાય એટલો 51 લાખ 24 હજાર કિંમતનો 512.450 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો મંગાવનાર અને ટેમ્પો ચાલક સહિત ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
માંગરોળમાં પોલીસ રેઈડ : કાર્યવાહી કોસંબા અને SOG પોલીસે બાતમીના આધારે માંગરોળના હથોડા ગામની સીમમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં આવેલા શોપિંગની સાઈડમાં દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં ખુલ્લા પ્લોટની સામે રોડ પર બ્લ્યુ કલરના અતુલ શક્તિ થ્રી વ્હીલર ટેમ્પોને પકડી તપાસ કરી હતી.
સુરત જિલ્લા પોલીસે ચોક્કસ બાતમીના આધારે માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે. આ ગુનામાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. -- નિધિ ઠાકુર (ASP, સુરત ગ્રામ્ય પોલીસ)
500 કિલો ગાંજો ઝડપાયો : પોલીસને ટેમ્પોમાંથી રૂ. 51.24 લાખની કિંમતનો 512.450 કિલો ગાંજાનો જથ્થો અને 60 હજાર કિંમતનો ટેમ્પો મળી કુલ 51.84 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે ટેમ્પોચાલક, માલ મંગાવનાર અજાણ્યા ઈસમ અને માલ પૂરો પાડનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
ત્રણ ઈસમો વોન્ટેડ : સુરત ગ્રામ્ય ASP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ નશીલા પદાર્થોનું વેચાણ કે સંગ્રહ ન થાય તે માટે સુરત જિલ્લા પોલીસ સતર્ક છે. સુરત જિલ્લા પોલીસે ચોક્કસ બાતમીના આધારે માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે. આ ગુનામાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.