અમદાવાદ: કોલકાત્તાની જુનિયર મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરના તબીબો સહિત લોકોમાં આક્રોશનો માહોલ છે. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે, ત્યારે આ ઘટના સંદર્ભે અમુક ચોક્કસ માંગણીઓને સમગ્ર દેશની અંદર રેસીડેન્સ ડોક્ટર દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ એક વિરોધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોલકત્તાની આર જી કર મેડિકલ કોલેજ ખાતે જે ઘટના બની હતી જેને લઈને અમદાવાદ જિલ્લામાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે ગઈકાલે શનિવારે રોજ સાંજે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રેસીડેન્સ ડોક્ટર સહિતના ડોક્ટરો હાજર રહ્યા હતા અને ઓડિટોરિયમ રૂમમાં વિવિધ ફિલ્મો બતાવવામાં આવી અને ત્યારબાદ હાથમાં મીણબત્તી લઈને માર્ચ કાઢવામાં આવી અને શ્રદ્ધાંજલિ સાથે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. તુષાર પટેલ, સેક્રેટરી ડો. ઉર્વેશ શાહ અને નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુનેગારોને સજા થાય અને ડોક્ટર્સના રક્ષણ માટે કાયદા બને તેવી માંગણી સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આ એક કેન્ડલ માર્ચ અને હ્યુમન ચેન બનાવી પોતાનો દેખાવો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે ત્યાં આવેલા ડોક્ટર એવું કહી રહ્યા હતા કે આ દેશની દીકરી ઉપર આવી બળાત્કાર જેવી ગંભીર ઘટના બને અને ગુનેગારોને કડક માં કડક સજા આપવાને બદલે ક્યાંક ને ક્યાંક તેમને છાવરવામાં આવે તેવું ચલાવી લેવામાં આવશે નહીં.
ડોક્ટર માટે ડોક્ટર હિત માટે ડોક્ટર્સના રક્ષણ માટે કોઈ કાયદો બનાવવામાં આવે છે, ડોક્ટર સમાજના લોકોને સારવાર કરે છે. તેમની મદદ કરે છે તેમના પર જ દેશની અંદર અત્યાચારો થાય છે. જ્યાં સુધી ડોક્ટર્સ માટે કોઈ કાયદાઓ બનાવવામાં નહીં આવે કે જેનાથી ડોક્ટર્સને રક્ષણ મળે અને હોસ્પિટલ ને સેફ ઝોન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી અમદાવાદ મેડિકલ એસોસિએશન પોતાની લડત લડતું રહેશે.