કચ્છઃ કચ્છમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો આવેલા છે તો સાથે ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરો પણ છે જેની સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે ત્યારે કચ્છમાં અનેક પૌરાણિક શિવમંદિર આવેલા છે જે પૈકીનું એક ભુજથી 35 કિલોમીટર દૂર આવેલું 500 વર્ષ જૂનું ગંગેશ્વર મહાદેવનું મંદીર કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન પણ રહ્યા હતા અને 1 માસ સુધી મહાદેવની પૂજા કરી હતી.તો અહી રામ, શ્યામ, ઘનશ્યામ અને શંકર એમ ચારેય દેવોની લીલા પણ જોવા મળે છે.આ સ્થળ ધાર્મિક સ્થળની સાથે સાથે એક પ્રવાસનનું પણ સ્થળ છે.
ધાર્મિક પ્રવાસન સ્થળ: રામપર વેકરાનું ગંગેશ્વર મહાદેવ
કચ્છના પાટનગર માંડવી તાલુકાના રામપર વેકરામાં આવેલું 500 વર્ષ કરતા વધારે જૂનું ગંગાજી મંદિર અને પંચદેવના દર્શન તેમજ પ્રવાસન માટેનું એક ઉત્તમ સ્થળ છે.કહેવાય છે કે ગંગાજી મંદિરમાં કે જ્યાં ગંગેશ્વર મહાદેવનું મંદીર આવેલું છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન અનેકવાર આવી ચૂક્યા છે.તો ગંગેશ્વર મહાદેવ મંદિરના સંકુલની સ્વચ્છતા અને ભક્તિમય વાતાવરણ અહીં આવતા દરેક ભક્તને પ્રફુલ્લિત પણ કરે છે.
500 વર્ષથી પણ જૂનું મંદિર
કચ્છમાં ઇતિહાસ ધરાવતા જેસલ-તોરલની સમાધિ જેવા અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે. તીર્થધામ ગંગાજી મંદિર ભુજથી 35 કિલોમીટર દૂર રામપર વેકરા ગામમાં આવેલું છે અને આ તીર્થધામ ગંગાજી મંદિર અતિ પુરાતન મંદિર છે અને 500 વર્ષથી પણ જૂનું હોવાનું પૂજારી જણાવી રહ્યા છે. આ પરિસરમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન પણ એક માસ સુધી અહીં રહીને મહાદેવની પૂજા કરી હતી.
શ્રાવણ માસમાં અનેક પ્રકારની પૂજા
ઉલ્લેખનીય છે કે દર સોમવારે ગંગેશ્વર મંદિરમાં ચાર પ્રહરની પૂજા થાય છે. તો શ્રાવણ માસમાં બીલીપત્ર પૂજા, જળાભિષેક, દુધાભિષેક, રુદ્રીભિષેક પણ કરવામાં આવે છે. આ મંદિરના સંકુલમાં રામ, શ્યામ, ઘનશ્યામ અને શંકર એમ ચારેય દેવોની લીલા પણ જોવા મળે છે. આ ઉપરાંત નરનારયણ દેવ અને લક્ષ્મીનારાયણનું મંદિર પણ આવેલું છે તો સાથે જ નવ ગ્રહની પ્રતિમા પણ આવેલી છે.ગંગેશ્વર મહાદેવજીના મંદિર પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.
ઋષિ મુનિ, તપસ્વીની અને રાજા ઇદમધ્વજની દંતકથા
એક કથા એવી પણ છે જેમાં રૂકમસ્મશ્રુ મુનીના આશ્રમમાં પાસેના વનમાં નરકુટ નગરનો રાજા ઇદમધ્વજ રાણીને રથમાં બેસાડી પોતે જંગલમાં ફરવા જાય છે. જંગલમાં તપસ્વીની તપ કરતી હોય છે રાજા ઈદમધ્વજ ત્યાં આવે છે એક ગર્ભવતી ગાય ચારો ચરતી હોય છે રાજા અસુરી સ્વભાવનો હોય છે જેથી ગાય ઉપર તીર તાકે છે તપસ્વીની તેને ના પાડે છે છતાં રાજા ગાય ઉપર તીર ચલાવે છે ત્યારે તપસ્વીની તેને શ્રાપ આપે છે જા તું સિંહ બની જા અને તરત જ રાજા સિંહ બની જાય છે રાજા ને આવવામાં મોડું થવાથી રાણી તપસ્વીનીના આશ્રમમાં આવે છે તપસ્વીની આંગળી ચીંધી તે સિંહ બતાવે છે અને કહે છે તારો પતિ મારા શ્રાપથી સિંહ બની ગયો છે રાણીની આજીજી કરવાથી તપસ્વીની એને મુક્તિ માટે રૂકમસ્મશ્રુ ઋષિ પાસે મોકલે છે.
ગામના નામ પાછળનો ઈતિહાસ
રૂકમસ્મશ્રુ ઋષિના આશ્રમમાં રાણી પોતાના સિંહરૂપી પતિને લઈને ઉભી છે અને બનેલી હકીકત સંભળાવે છે ઋષિએ આંતરદ્રષ્ટિથી જોઈને કહ્યું ભગવાનની આજ્ઞાથી હિમાલય નંદીની અનંતજનોના કિલમિસ કાપવા ગુપ્ત માર્ગે અહીંથી આવવાના છે તું તારા પતિને ગંગાની ધારામાં નવડાવજે જેથી એ મૂળ સ્વરૂપમાં આવી જશે. એક રાત્રે અચાનક ભેખડમાં ગંગાજી પાણીના ઝરા રૂપે મોટા શબ્દપૂર્વક વહેવા લાગ્યા જ ચોથામાં પાણીનો ઘરો ભરાઈ ગયો પ્રાતઃકાળે પદ્માવતીએ તપસ્વીનીના આશીર્વાદ લઈને પોતાના પતિને સ્નાન કરાવ્યું સિંહ ડૂબકી મારી બહાર નીકળતા વેત મૂળ સ્વરૂપમાં રાજા આવી ગયો.આ ઉપરાંત એક વખત રૂકમસ્મશ્રુ મુનિ રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે ગંગાજીમાં નાહવા જાય છે ત્યારે સામે કિનારે કર્ષકો ઝુંપડા હોય છે ભગવાન રામ તેને ગામ વસાવાની સલાહ આપે છે અને ત્યાં ગામ વસે છે તે ગામનું નામ રઘુનંદનપુરી પાડ્યું હતું જે આજે રામપર વેકરા તરીકે ઓળખાય છે.
ગંગાજી મંદિરનું સંચાલન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા
પૂજારી ખીમગર ગુસાઈના જણાવ્યા મુજબ રામપર વેકરામાં આવેલા તીર્થધામ ગંગાજી મંદિરનું સંચાલન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવે છે અને આ મંદિરનો મહિમા સૌથી વધારે અધિક માસમાં જોવા મળે છે. અહીં અનેક અલગ અલગ મંદિરો આવેલા છે. તો ગંગાજી અને યમુનાજી એમ બે કુંડ પણ આવેલા છે, જ્યાં ભક્તો માટે સ્નાન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્વામીનારાયણ ભગવાને સવંત 1861 થી 1868માં અનેકવાર આ તીર્થસ્થાનને પાવન કર્યું છે.
વિશાળ શંકર પાર્વતી તથા ગણેશ અને બજરંગ બલીની મૂર્તિઓ
આ તીર્થધામ ગંગાજી મંદિર અને ગંગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ વિશાળ જગ્યામાં આવેલું છે. જ્યાં ખૂબ વિશાળ શંકર પાર્વતી તથા ગણેશ અને બજરંગ બલીની મૂર્તિઓ પણ પ્રવેશ દ્વાર પાસે જોવા મળે છે. આ સંકુલમાં અનેક વૃક્ષો આવેલા છે જેથી સંકુલના વાતવરણમાં માનસિક શાંતિનો સાથે સાથે ઠંડકનો પણ અનુભવ થાય છે. શ્રાવણ માસ દરમિયાન અને રવિવારના દિવસે આ સ્થળે આસપાસના ગામના લોકો અને અન્ય પ્રવાસીઓ પણ દર્શનાર્થે આવે છે.
શ્રાવણ માસની અંદર શિવલિંગ પણ દરરોજ અલગ અલગ ફૂલોથી શ્રૃંગાર
સ્વામીનારાયણ ભગવાને અહીં રહીને પુરુષોત્તમ ગીતા, ભગવદ્ ગીતા કરી છે.અનેક ઋષિમુનિઓએ આ ભૂમિ પર તપસ્યા કરી છે. અહીં રૂકમાવતી નદી પણ આવેલી છે અને રૂકમસ્મશ્રુ કરીને એક ઋષિ હતા તેઓ અહીં તપસ્યા કરતા હતા.આ ગંગાજી તીર્થસ્થાન પુરાતન સ્થાન છે. અહીં ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ વિરડામાંથી ભગવાન સ્વામિનારાયણે પાણી ભરી ભરીને મહાદેવ પર જળાભિષેક કર્યો હતો. શ્રાવણ માસની અંદર શિવલિંગ પણ દરરોજ અલગ અલગ ફૂલોથી શ્રૃંગાર કરવામાં આવે છે.