નવસારી: ટેકનોલોજીની મદદથી મુશ્કેલ જણાતો ટાસ્ક પણ સરળ કરી શકાય છે, એ નવસારી પોલીસે કરી બતાવ્યું છે. વિસર્જનમાં શહેરના દરેક મંડળોની મૂર્તિ ક્યાં છે અને વિસર્જન ઓવારાથી કેટલી દૂર છે એનું રિયલ ટાઈમ મોનિટરિંગ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના અને ટેકનોલોજીની મદદથી કરીને ગણેશ વિસર્જન યાત્રાને સરળ બનાવી છે.
નવસારી વિજલપોર શહેરમાં તેમજ શહેર આસપાસના ગામડાઓ મળીને નવસારીના વિરાવળ ઓવારાથી નાની મોટી મળી 5000 થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થતું હોય છે. જેમાં પણ આ વર્ષે નવસારી વિજલપોર શહેરમાં અંદાજે 100 મંડળોએ 9 ફૂટ થી 29 ફૂટ ઊંચી પ્રતિમાઓનું સ્થાપન કર્યું હતું. જ્યારે જિલ્લામાં અંદાજે 200 પ્રતિમાઓ સ્થાપિત થઈ હતી. જેથી ગણેશ વિસર્જન દરમિયાન રાજમાર્ગો ઉપર આવતા વીજળીના તારો, સાંકળી ગલીઓમાંથી આ વિશાળ પ્રતિમાઓને વિસર્જન સ્થળ સુધી પહોંચાડવું, આયોજકો, ગણેશ સંગઠન અને પોલીસ વિભાગ માટે મુશ્કેલ ભર્યું હતું. વિશાળ પ્રતિમાઓ સાથે હજારોની સંખ્યામાં નાની તેમજ 9 ફૂટ સુધીની પ્રતિમાઓ પણ વિસર્જન યાત્રામાં નીકળતી હોય છે. ત્યારે આ બધા વચ્ચે વિશાળ પ્રતિમાઓને સરળતાથી યાત્રામાં ચલાવવી ઘણીવાર મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક કલાકો સુધી એક પ્રતિમા એક જ સ્થળે અટકી જાય છે, ત્યારે આ સમસ્યાના નિવારણ માટે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ તેમજ ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા પોલીસ વિભાગના જ ટેકનીકલ નિષ્ણાંતોની મદદથી 9 ફૂટથી ઊંચી પ્રતિમાઓનો ડેટાબેઝ તૈયાર થાય, સાથે આ તમામ પ્રતિમાઓને વિસર્જન યાત્રામાં ટ્રેક કરી શકાય તેમજ વિસર્જન સ્થળથી કેટલે દૂર છે, જેની સાથે પ્રતિમા કેટલા વાગ્યે મંડળમાંથી બહાર કાઢવામાં આવી અને કેટલા વાગ્યે વિસર્જન ઓવારા પર પહોંચી તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરી શકાય એવી ટેકનીક શોધી કાઢી હતી.
પોલીસે google મેપની લીધી મદદઃ પોલીસે google મેપમાં ગણેશ મંડળના એક સભ્યનો મોબાઇલ લોકેશનને ટ્રેસ કરી, એને આધારે લોકેશન મેળવી આ સમગ્ર વિસર્જન પ્રક્રિયાને સરળ બનાવી છે. બીજી તરફ કોઈક પ્રતિમા અટકી જાય અને એને વધુ સમય એક જ જગ્યાએ લાગે તો પોલીસ સ્ટાફ સહિત જરૂરી રિસોર્સીસ પૂરા પાડી પ્રતિમાને આગળ ધપાવી શકાય અને વિસર્જન યાત્રાની સમયાવધીને પણ ટૂંકાવી શકાય એવું આયોજન કર્યું છે. જેમાં પોલીસને મહદ અંશે સફળતા મળી છે. આ સાથે જ પોલીસ પાસે નવસારી શહેરમાં સ્થાપન થતી વિશાળ પ્રતિમાઓનો ડેટાબેઝ ભેગો થયો છે. જેથી આગામી વર્ષોમાં વિસર્જન યાત્રા દરમિયાન કયુ મંડળ મોડું થાય છે, એના ઉપર પણ ધ્યાન આપી શકાશે. ઉલ્લેખનીય કે છે કે, અન્ય શહેરોમાં પોલીસ ગણેશ મંડળો પાસે GPS સિસ્ટમ લેવડાવતી હોય છે અને GPS ટ્રેકિંગ કરી વિસર્જન યાત્રાનું મોનિટરિંગ થતું હોય છે. પરંતુ નવસારી પોલીસની આ ટેકનિક એક પણ રૂપિયાના ખર્ચ વિના તૈયાર થઈ છે. પોલીસ વિભાગની આ ટેકનીક ગણેશ મંડળના આયોજકોને પણ ઘણી ઉપયોગી લાગી છે અને મંડળોએ આવકારી પણ છે.