સુરત: જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામ પાસે કીમ-કોસંબાની વચ્ચે ટ્રેન ઉથલાવવા માટે એક કાવતરું રચાયું હોવાની ઘટના સામે આવી હતી.જેને લઇને દેશ અને રાજ્યની અને સુરત જિલ્લાની અલગ અલગ પોલીસ એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ત્યારે પોલીસ તપાસમાં જે ઘટસ્ફોટ થયો હતો. જેને લઇને સૌ કોઈ ચોંકી ગયા હતા. ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રેલવે કર્મચારીએ જ ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
રેલ્વેકર્મી આરોપી હોવાનો ઘટસ્ફોટ: આ ઘટનામાં 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસે તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટના સૌથી પહેલા નજરોનજર સુભાષ પોદાર નામના રેલવે કર્મચારીએ જોઈ હોવાનું જણાવ્યું હતું. જોકે તેણે એવોર્ડ અને પ્રમોશન મેળવવા માટે જ આ સમગ્ર તરકટ રચ્યું હતું. આ સમગ્ર કાવતરામાં સુભાષ પોદારની સાથે અન્ય રેલવે કર્મચારી મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલ નામનો કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું.
રેલ્વેકર્મીઓ પર ટ્રેન ઉથલાવવાનો આરોપ: 21 સપ્ટેમ્બરના રોજ શનિવારે કીમ નજીક ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારને રેલવે ટ્રેક પર 3 અજાણ્યા શખ્સોની ચહલપહલ જોવા મળી હતી. તેણે દાવો કર્યો હતો કે, ‘મેં વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રેક પર અજાણ્યા લોકો જોયા હતા. મને શંકા જતા મેં બૂમો પાડી હતી, જેથી તેઓ તાત્કાલિક નાસી છૂટ્યા હતા.’
ઘટના સ્થળે 140 પોલીસ કર્મીઓ ખડેપગે: જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરાતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જોકે સમગ્ર ઘટના બાબતે જિલ્લા પોલીસની કામગીરી ઉત્કૃષ્ટ દેખાઈ છે.ઉલ્લેખનીય છે કે, ઘટના દિવસથી સ્થળ પર 140 પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા. આસપાસના ખેતરોમાં ઝાડીઝાંખરામાં તપાસ કરી હતી. ડોગ સ્કવોર્ડ, FSL, ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. ત્યારે ષડયંત્રમાં સંડોવાયેલા તત્વો પકડાઈ જતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો
આરોપીના નામ:- સુભાષકુમાર પોદાર, મનીષકુમાર મિસ્ત્રી, શુભમ જયસ્વાલ નામના 3 રેલ્વે કર્મચારીઓ સંડોવાયેલા છે. પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાના રચેલા તરકટમાં આ 3 આરોપીઓ ફસાઇ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 45000ની કિમતના 3 ફોન કબ્જે કરીને માહિતી પ્રાપ્ત કરી છે.
મુખ્ય આરોપી ઘટના નજરે જોનારો રેલ્વેકર્મી: સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, આરોપી સુભાષ રેલ્વેનો સૌથી જૂનો કર્મચારી છે. તે 9 વર્ષથી રેલ્વેમાં નોકરી કરે છે. બીજો આરોપી મનીષ છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે. ત્રીજો આરોપી શુભમ કોન્ટ્રેક્ટ બેઝ લેબર છે અને એ થોડા દિવસ પહેલા આવ્યો છે. સુભાષના કહેવાથી મનીષ તેની સાથે રહ્યો હતો અને આ કૃત્યને અંજામ આપ્યો હતો. આમાં મુખ્ય આરોપી સુભાષ છે. ત્રણેય આરોપી ટ્રેક મેઇન્ટેનન્સની ટ્રેકમેન તરીકેની જવાબદારી નિભાવે છે. આ કૃત્ય કરવાનો પહેલો વિચાર સુભાષને આવ્યો હતો. પણ ક્યારથી કઈ રીતે વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ.
આરોપીના ફોનમાંથી ફોટો ઘટના સાથે મેળ ખાતા નથી: રેલવે વિભાગના ઇજનેર ફરિયાદી બન્યા છે. બનાવની હકિકત 5 વાગ્યા પછીની બતાવે છે. પરંતુ પોલીસે સુભાષની પૂછપરછ કરી ત્યારે ટ્રેનો પસાર થાય છે. તેનો સમય પણ અગત્યનો છે. 5.20 વાગ્યા પછી તેમણે જોયું કે, ફિશ પ્લેટ અને પેડલોક ટ્રેક પર પડ્યા છે. પછી તેણે તેના ફોટો અને વીડિયો લીધા હતા. ત્યારબાદ તેણે જે-તે અધિકારીને રિપોર્ટિંગ કરી ગરીબ ટ્રેન રથને રોક્યા હતા. ટ્રેન રોક્યાનો સમયગાળો તેના મોબાઇલના રિસાઇકલ બીનમાંથી મળેલા ફોટો વિડીયો સાથે મેળ ખાતો નથી. એક ફોટો 4:57 વાગે, બીજો ફોટો 2: 56 વાગ્યાનો અને ત્રીજો ફોટો 3: 14 વાગ્યાનો મળે છે. FIRમાં લખાવ્યું છે તે આ મળેલા પૂરાવાથી સંપૂર્ણ વિસંગતતા દર્શાવે છે.
આ પણ જાણો: