સુરત : આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી પતિએ પત્નીને બુટ અને ઢીકા-મુક્કાનો માર મારી ફરાર થયો હતો. બાદમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. જોકે, કીમ પોલીસે હત્યારા પતિની ગણતરીના કલાકમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શું હતો બનાવ ? સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સયાદલા ગામે 14 માર્ચના રોજ હિચકારી હત્યાની ઘટના બની હતી. મૂળ મધ્ય પ્રદેશના ઇન્દોરના અને સયાદલા ગામે રાજ મંદિર સોસાયટીમાં રહેતા રાજદીપ કમલ શર્માને પોતાની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. જેને લઈને પત્નીને બુટ અને ઢીકા-મુક્કાનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
હત્યારા પતિની ધરપકડ : ત્યારબાદ ઈજાગ્રસ્ત પત્નીની હોસ્પિટલમાં સામાન્ય સારવાર કરાવ્યા બાદ 18 માર્ચ સુધી ઘરે સુવડાવી રાખી હતી. જોકે પત્નીની તબિયત વધુ લથડતા તેને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળ્યો હતો. જોકે સિવિલના તબીબોએ તપાસ કરતાં મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની જાણ કીમ પોલીસને કરવામાં આવતા પોલીસે તરત જ પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી લીધી હતી.
બે દિવસના રિમાન્ડ : સુરત ગ્રામ્ય DySP આર. આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, કીમ પોલીસ મથક ખાતે એક હત્યાનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાના આરોપીએ પોતાની પત્નીને માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. કીમ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો, જેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.