સુરત: જિલ્લાની નવી સિવિલ હોસ્પિટલમાં બાળક ગુમ થવાનો મામલો સામે આવ્યો છે. એક દિવસ પેહલા ત્રણ વર્ષનો બાળક ગુમ થઈ ગયો હતો. ચિંતિત પરિવારે બાળકની શોધખોળ કરી હતી પરંતુ બાળક ક્યાંય ન મળતા પરિવારે પોલીસને કરી હતી. પોલીસે બાળક ગુમ થવાની અરજી લઈને તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, પરંતુ આ વાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાને પોંહચતા જ તાત્કાલિક આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાળક શોધવા માટે આદેશ આપ્યા હતા. જેને પરિણામે પોલીસે નવી સિવિલ હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલા બાળકને લઇ જતી નજર આવી હતી. આ ફૂટેજના આધારે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથધરી હતી અને ગઈ કાલે પોલીસને પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાંથી મહિલા બાળક સાથે છે મળી આવી હતી. પોલીસે આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનકુલદેવી ઇન્દ્રબલી રેખારામને પકડી પડ્યા હતા.
1000 જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા: સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકને હેમખેમ આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસ અને પાનકુલદેવી ઇન્દ્રબલી રેખારામના ચુગલમાંથી મુક્ત કરાવ્યો હતો. આ બાબતે સુરત પોલીસ કમિશન અનુપમસિંહ ગેહલોતે જણાવતા કહ્યું હતું કે, 'આ મામલે અમારી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે સ્થાનિક સહીત કુલ 200 પોલીસ કર્મચારીઓ સતત ગઈકાલ સાંજથી બાળકની શોધખોળમાંલાગી ગયા હતા. જેમાં પોલીસે કુલ 1000 જેટલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. બાદમાં એક બાદ એક કડીઓ મળતી ગઈ અને તેની સાથે ટેકનિકલ સર્વલેન્સના આધારે તપાસ કરતા બાળક પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાનમાં છે તેવી જાણ થઈ. જેને પગલે પોલીસે પાંડેસરા અને ભેસ્તાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું. આ દરમિયાન બાળક ભેસ્તાન વિસ્તારમાં આવેલ સંગમ સોસાયટીના એક મકાનના છત ઉપરથી મળી આવ્યું હતું. જ્યાં બાળકને લઇ જનારી મહિલા આરોપી પાનકુલદેવી ઇન્દ્રવલી રામ અને તેમનો પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસ પણ મળી આવ્યા હતા. પોલીસે બંને દંપતીના ચુગલમાંથી બાળકને મુક્ત કરાવ્યો હતો.
કોણ છે આરોપી: તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આરોપી મહિલા પાનકુલદેવી ઇન્દ્રવલી રામની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, 'આરોપી ઇન્દ્રબલી રેખારામ રવીદાસને બે પત્નિ છે. જેમાં પહેલી પત્નિ પાનફુલદેવી છે તેના થકી તેને સંતાન તરીકે એક દિકરી છે. 18 વર્ષનો લગ્નગાળો થયેલ હોવા છતા દિકરો ન હોવાથી તેના પતિના ચાર માસ પહેલા સંગીતાદેવી સાથે બીજા લગ્ન થયા હતા.
પુત્ર પ્રેમની લાલસામાં દાનત બગડી: આગળ જણાવતા કમિશનરે કહ્યું કે, 'આ બીજી પત્નિ સંગીતાદેવીને તેના અગાઉના પતિ થકી સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દિકરો હતો જે તે પોતાની સાથે લઈ આવી હતી. જે દિકરો બિમાર પડતા બંને આરોપી તથા બીજી પત્ની સંગીતાદેવી નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લઈને પહોંચ્યા હતા. જ્યાં નવી સીવીલ હોસ્પીટલ પહેલા માળે G-1 વોર્ડના સામે આરોપી પાનફુલદેવી હાજર હતી ત્યારે તેમની નજરમાં ગુમથનાર બાળક નજર આવતા જ પોતાનો સગો દિકરો ન હોવાથી પુત્ર પ્રેમની લાલસામાં દાનત બગડી હતી અને તે બાળક પાસે લઈ જઈ મીઠી વાતો કરીને ફોસલાવી તેઓના ધ્યાન બહાર સાંજના સમયે અપહરણ કરી પોતાની સાથે લઈ ગઈ હતી. જોકે આ વાત આરોપીના પતિને જણાવતા તે પણ પત્નીની વાતમાં સંમત થયો હતો.'
નવી સિવિલ હોસ્પિટલમાં એનાઉન્સર માઇક લગાવાશે: જો કે હાલ આ આરોપી મહિલા દ્વારા અગાઉ કોઈ ગુનાહિત કાવતરું કરવામાં આવ્યું છે કે નહીં તે સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. નવી સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ બાળક ગુમ થયા હોવાની ઘટનાઓ થઇ ચુકી છે, ત્યારે હવે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સાથે બેઠક કરીને હોસ્પિટલમાં 'પોતાનું બાળક પોતાની સાથે રાખો' એવી જાહેરાતો કરવા માટે એક એનાઉન્સર માઇક લગાવવામાં આવશે તેવી માહિતી મળી છે.