ખેડા: કપડવંજના નાની ઝેર ગામે મહીસાગર જીલ્લાના કનુ પટેલ નામના રોડ કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કનુ પટેલના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં કામ થઈ ગયા હોવા છતાં 4 કરોડ 72 લાખથી વધુની બાકીની રકમ ન ચુકવાતા આર્થિક ભીંસમાં હોવાથી આપઘાત કર્યો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો હતો.સુસાઈડ નોટમાં સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો.જેને લઈ મૃતકના ભાઈની ફરિયાદને આધારે કપડવંજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કેમ જીવન ટૂંકાવ્યું: કપડવંજના નાની ઝેરથી ઘડિયા રોડ પર ખેતરમાં કોન્ટ્રાક્ટરનો મૃતદેહ ઝાડની ડાળીએ દોરડા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવને પગલે એકઠા થયેલા ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા કપડવંજ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જેઓ ખેડા જીલ્લામાં માર્ગ મકાન વિભાગના રોડ કોન્ટ્રાક્ટના કામ કરતા હતા.પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સ્યૂસાઈડ નોટમાં અનેક ખુલાસા: પોલીસને મૃતદેહ પાસેથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.જેમાં મૃતક દ્વારા ખુલાસા કરવા સાથે આત્મહત્યાનું અંતિમ પગલું ભરવાનું કારણ પણ જણાવ્યું હતુ. સુસાઈડ નોટમાં તેમના દ્વારા રોડના કામ કરવામાં આવ્યા હતા તેના બિલના કુલ રૂ.4,72,50,000 બાકી છે. જે અનેક વિનંતિઓ અને પ્રયત્ન કરવા છતાં ન મળતા આર્થિક ભીંસ હોવાથી અન્ય કોઈ રસ્તો ન હોઈ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યુ હતું. સુસાઈડ નોટમાં કોન્ટ્રાક્ટરો તેમજ કપડવંજ માર્ગ મકાન વિભાગ સ્ટેટના અધિકારીઓના નામનો પણ ઉલ્લેખ કરી તેમના દ્વારા આત્મહત્યા કરવા મજબૂર કરાયો હોવાનું જણાવાયુ હતું.
બે અધિકારી અને ચાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો: સુસાઈડ નોટમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નામ જણાવી તેમના દ્વારા આત્મહત્યા માટે મજબૂર કરાયા હોવાનો ઉલ્લેખ કરાયો હતો.જેને લઈ મૃતકના ભાઈ વિનોદ પટેલની ફરિયાદને આધારે પોલીસ દ્વારા છ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં માર્ગ અને મકાન વિભાગના એસઓ દીપક ગુપ્તા અને નાયબ કાર્યપાલક ઇજનેર જીગર કડિયા તેમજ કોન્ટ્રાક્ટરો મનહર પટેલ,હિતેશ સુથાર,દીપક ગાંધી અને એલ.જી.ચૌધરી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
છ આરોપી સામે ગુનો દાખલ: આ બાબતે કપડવંજ ડીવાયએસપી વી.એન.સોલંકીએ જણાવ્યુ હતું કે, 15 તારીખના રોજ કનુ પટેલનો મૃતદેહ મળ્યો હતો. એમના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળેલી જેમાં તેમણે આત્મહત્યાનું કારણ લખેલું હતું. જેની ખબર તેમના ભાઈ વિનોદ પટેલે આપી હતી.એ બાબતે અકુદરતી મોત કપડવંજ રૂરલ પોલીસમાં દાખલ થઇ હતી. 19 તારીખના રોજ તેમના ભાઈ વિનોદ પટેલે કપડવંજ રૂરલ પોલીસમાં ગુનો નોંધાવેલ છે. આરોપીઓ તરીકે જીગર કડીયા ડેપ્યુટી એન્જીનીયર જે છે, દિપક ગુપ્તા સેક્શન ઓફીસર છે, સંતરામપુરના શ્રીરામ બિલ્ડર્સ છે તેના ભાગીદારો જેના નામ, મનહર પટેલ,હિતેશ સુથાર, દિપક ગાંધી જે તમામ લુણાવાડાના રહેવાસી છે. એલ.જી.ચૌધરી જે અમદાવાદના રહેવાસી છે તેમના વિરૂદ્ધ કલમ 306,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેની તપાસ અમારા દ્વારા ચાલુ છે. યોગ્ય પુરાવા મળવાથી આરોપીઓની અટક કરવાના તજવીજ કરવામાં આવશે હાલ તપાસ ચાલુ છે.