ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે દશેરા પર્વની શ્રદ્ધાપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનને પ્રભુ રામજીનો શણગાર ધારણ કરાવવામાં આવ્યો હતો. દશેરાના પર્વે ભગવાનના સોનાના શસ્ત્રો અને આયુધોની શોભાયાત્રા કાઢી વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. સાંજે ભગવાન હાથી પર બિરાજમાન થઈ વિધિવત રીતે પોતાની કલાઈ પર બાંધેલી રાખડી છોડવા જશે.
રણછોડરાયજી રામના સ્વરૂપે બિરાજમાન થયા: અસત્ય પર સત્યના વિજયના પ્રતિક દશેરા પર્વે ભગવાન રણછોડરાયજી પ્રભુ રામ સ્વરૂપે બિરાજમાન થયા હતા. આ દરમિયાન ભગવાનને સોનાના અલંકાર આભૂષણ ધરાવાયા હતા. સોનાના આયુધો જેવા કે ધનુષ બાણ, ઢાલ, તલવાર, કટારી વગેરે રણછોડરાયજીને તિલક કરી ધરાવાય છે. રામના સ્વરૂપમાં ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ આ વિજય ઉત્સવ ખુબજ ધામ ધુમથી ઉજવવામાં આવ્યો હતો.
સોનાના શસ્ત્રોની શોભાયાત્રા યોજી પૂજન કરાયું: દશેરા પર્વ નિમિત્તે આજે ભગવાન રણછોડરાયજીના સોનાના શસ્ત્રો તેમજ આયુધોની ઢોલ નગારા સાથે વાજતે ગાજતે પાલખીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને ત્યારબાદ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કારવાયું હતું. જે બાદ શોભાયાત્રા મંદિરમાં પરત ફરી હતી. પરત આવ્યા બાદ રણછોડરાયજી સન્મુખ શાત્રોકત વિધિથી આયુધો અને શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.
સાત વર્ષ બાદ હાથી પર સવારી: દશેરા પર્વ પર સાંજે શ્રીજી સવારીમાં બિરાજમાન થઈ પોતાની કલાઈ પર બાંધેલી રાખડી શમી વૃક્ષ નીચે છોડવા જાય છે. તમને જણાવી દઈએ કે, સાત વર્ષ બાદ આજે ભગવાન હાથી પર સવાર થઈ રાખડી છોડવા જશે. મહત્વનું છે કે, 2017થી હાથી પર સવારી બંધ કરવામાં આવી હતી. હાથીને બદલે પાલખી પર સવારી નીકળતી હતી. ભાવિકો અને સેવકોની લાગણીને લઈ આજે હાથી પર સવારી નીકળશે. જેને લઈ ભાવિકોમાં ખુશી જોવા મળી રહી છે.
રામ અને કૃષ્ણના દર્શન એક સાથે - પૂજારી: આ સંપૂર્ણ ઉત્સવ મુદ્દે મંદિરના પૂજારી સંજય સેવકે જણાવ્યું હતું કે, 'સવારે મંગળા આરતી બાદ ભગવાનને સ્નાન ત્યારબાદ નિત્યક્રમ અનુસાર વિશેષ આભૂષણ ધરાવવામાં આવે છે. સોનાના અલંકાર આભૂષણ ધરાવીને ભગવાનને રામચંદ્રજીનું સ્વરૂપ આપવામાં આવે છે. રામચંદ્રજીએ અધર્મ ઉપર ધર્મનો વિજય મેળવ્યો હતો. તેના પ્રતિકરૂપે રાવણને મોક્ષ આપ્યો હતો. ભગવાનને આજે સોનાના શસ્ત્રો ધરાવવામાં આવે છે. તેની પૂજા મંદિર પરિસરમાં કરવામાં આવે છે. ભંડારી મહારાજ તેમજ પૂજારીઓ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. શસ્ત્રો સહિત આજે રામ અને કૃષ્ણના દર્શન એક સાથે થાય છે.'
આ પણ વાંચો: