ખેડા: ખેડા જીલ્લાના મહુધા તાલુકાના મહીસા ગામ ખાતે રહેતા એક વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ રૂ.61 લાખ પડાવ્યા હતા. સીબીઆઈ ઓફિસર બોલતા હોવાનું જણાવી વૃદ્ધ દંપતીના વિદેશ રહેતા દીકરા-દીકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે એરેસ્ટ કરવાની ધમકી આપી હતી. જે બાદ દિવસો સુધી ધમકી આપી થોડા થોડા કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધ દંપતી પાસે રૂપિયા ન હોવાથી તેણે પોતાના દાગીના વેચીને તેમજ ગીરવે મુકીને ટૂકડે ટૂકડે કરી રૂ.61 લાખ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેમ છતાં વધુ રૂ.40 લાખની માંગણી કરતા દંપતીએ મહુધા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ગુનો નોંધી હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
કેવી રીતે બની ઘટના: મહુધા તાલુકાના મહિસા ગામે 63 વર્ષિય વિણાબેન પટેલ તેમના પતિ મધુસુદનભાઈ પટેલ સાથે રહે છે. તેમનો દીકરો અમેરિકામાં તેના પરિવાર સાથે રહે છે. તેમજ તેમની દિકરી સાસરે રહે છે. ગત તારીખ 9 નવેમ્બર 2024ના રોજ સવારના સમયે વિણાબેનના પતિ મધુસુદનભાઈના મોબાઈલ નંબર પર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે પોતાનું નામ વિનોદ શર્મા જણાવી ડી.એચ.એલ. કુરીયર સર્વિસ બોમ્બેથી વાત કરૂ છું. તમારા નામે કુરીયર છે જે કુરીયર મુંબઇ ટુ બૈજીંગ ચાઇનાનું છે. જે કુરીયર માટે તમારા આધારકાર્ડ અને તમારો મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો છે. આ કુરીયરમાં પાસપોટ તથા બેંક ડોક્યુમેટ છે તથા 400 ગ્રામ એમ.ડી.એમ.એ ડ્રગ્સ છે. તમે તમારા ડોક્યુમેન્ટથી આવું કોઇ કુરીયર કર્યું છે. તેવી વાત કરતા મધુસુદનભાઈએ જણાવ્યું કે, અમે આવુ કોઈ કુરીયર કર્યું નથી. જેથી કોલ કરનારે પોલીસને જાણ કરવાનું કહેતા મધુસુદનભાઈએ તેમને પોલીસને જાણ કરી દો તેમ કહ્યું હતું.
સીબીઆઈ ઓફિસરની ઓળખ આપી ડ્રગ્સ કેસની ધમકી આપી: તારીખ 13 નવેમ્બરના રોજ મધુસુદનભાઈને અજાણ્યા બે નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યા હતા. જેમાં કોલ કરનારે પોતે પ્રકાશ અગ્રવાલ તથા રાજેશ પ્રધાન સી.બી.આઇ. ઓફીસર બોમ્બેથી બોલીએ છીએ. તમને એરેસ્ટ કરી લઈ જઈશું તેવું જણાવી વીડીયો કોલ કરી પોલીસનું સિમ્બોલ બતાવી તમારો ડ્રગ્સનો કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયો છે તેવી બીક બતાવી હતી.
આ પછી અવાર નવાર વોટ્સએપ કોલ કરી સુપ્રીમ કોર્ટનો હુકમ છે અને તમારે વેરીફીકેશન માટે રૂપિયા 40 લાખ ભરવાના છે. જે વેરીફીકેશન થઇ તમને પાછા મળશે. તેમ જણાવ્યું હતું. ઉપરાંત, જો પૈસા નહીં ભરો તો તમને એરેસ્ટ કરી બોમ્બે લઈ જઈ કસ્ટડીમાં નાખી દેવામાં આવશે, તેવી ધમકી આપી હતી. જે બાદ તમારા દિકરા દિકરી વિદેશમાં છે. તેમને પણ સુપ્રીમ કોર્ટ ઈન્વેસ્ટીગેશનમાં લઇ લેશે અને તે બંનેને વિદેશ પાછા જવા દેવામાં આવશે નહીં. તેવી બીક આપતાં મધુસુદનભાઈ અને તેમના પત્ની ડરી ગયા હતા. તે બાદ નાણાં ભરવા દબાણ કરતા હતા અને નહીં ભરો તો ધમકીઓ આપતા હતા. જેથી મધુસુદનભાઈએ સૌપ્રથમ 11 લાખ ત્યારબાદ ટુકડે ટુકડે કુલ રૂપિયા 61 લાખ RTGS કર્યા હતા.
પત્નીના દાગીના વેચી અને ગીરવે મુકી રૂપિયા આપ્યા: મધુસુદનભાઈ પાસે આટલી મોટી રકમ ન હોવાથી તેમણે પોતાની પત્નીના દાગીના થોડા બેંકમાં ગીરવે મુક્યા અને થોડા વેચી આ લોકોને નાણાં આપ્યા હતા. આમ છતાં બીજા 40 લાખ રૂપિયા માગતા અંતે આ બાબતે મધુસુદનભાઈએ પોતાની દીકરીને વાત કરતા સાયબર ક્રાઇમ થયું હોવાની જાણ થતા સમગ્ર મામલે વિણાબેન પટેલે મહુધા પોલીસ મથકે રાજેશ પ્રધાન, પ્રકાશ અગ્રવાલ અને અલગ અલગ મોબાઈલ ધારકો તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે-ડીવાયએસપી: આ બાબતે ડીવાયએસપી ડૉ.દિવ્યા રવ્યા જાડેજાએ જણાવ્યું હતું કે, 'મહુધા તાલુકાના મહીસા ગામના વૃદ્ધ દંપતી પાસે 9 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી સતત હું સીબીઆઈ બોમ્બેથી બોલું છું એમ કહી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી તમારા નામનું પાર્સલ છે તેમાં એમડી ડ્રગ્સ છે. એવુ જણાવી સમયાંતરે અલગ અલગ સમયે તેમની પાસેથી આરટીજીએસ દ્વારા રૂપિયા 61 લાખ ટ્રાન્સફર કરાવાયા હતા. મહુધા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. હાલ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.'
આ પણ વાંચો: