સુરત : રાજ્યભરમાં જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ સાર્વત્રિક મેઘમહેર થતા નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. સારા વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે.
ખરીફ સિઝનની શરૂઆત : જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતે જસુરણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરીફ વાવેતરમાં સરકારની ટેકાના ભાવે ખરીદી યોજનાના પરિણામે ખેડૂતો હોંશે-હોંશે વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડા જોઈએ તો જિલ્લાભરમાં પિયત અને બિનપિયત મળી કુલ 24,469 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરાયું છે. જેમાં 2787 હેક્ટરમાં ડાંગર, 755 હેક્ટરમાં કપાસ, 6537 હેક્ટરમાં મકાઈ, 3449 હેક્ટરમાં સોયાબિન તેમજ 4818 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે.
જિલ્લામાં સાર્વત્રિક વાવતેર : સુરત જિલ્લામાં કુલ 679 હેક્ટરમાં કેળના વાવેતર પૈકી સૌથી વધુ કામરેજ તાલુકામાં 558 હેક્ટરમાં કેળનું વાવેતર થયું છે. જિલ્લામાં કુલ 6,537 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ 6,515 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જિલ્લામાં સરેરાશ 1,08,967 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર રહ્યું છે. કુલ શાકભાજીના વાવેતર પૈકી માંડવી તાલુકામાં 1285 હેક્ટર, ઓલપાડ તાલુકામાં 1250 હેક્ટર અને માંગરોળમાં 750 હેક્ટરમાં સૌથી વધુ શાકભાજી વાવવામાં આવી છે. ઉપરાંત મગફળી, બાજરી, તલ, ગવાર, ઘાસચારાનું પણ વાવેતર પણ શરૂ થઈ ચૂક્યું છે.
વિવિધ કઠોળનું વાવેતર : સુરત જિલ્લામાં કુલ 2,787 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે, જે પૈકી માત્ર ઓલપાડ તાલુકામાં જ 1,246 હેક્ટરમાં ડાંગર રોપણી થઈ છે. મકાઈના 6,537 હેક્ટરમાં કુલ થયેલા વાવેતર પૈકી માત્ર ઉમરપાડા તાલુકામાં જ સૌથી વધુ 6,515 હેક્ટરમાં મકાઈ વાવવામાં આવી છે. જિલ્લામાં કુલ 791 હેક્ટરમાં જુવાર વાવેતર થઈ છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ 540 હેક્ટર જુવારનું વાવેતર થયું છે. જિલ્લામાં કુલ 6,537 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે, જેમાં ઉમરપાડા તાલુકામાં જ 6,515 હેક્ટર મકાઈનું વાવેતર થયું છે.
આ તાલુકા અવ્વલ : આ ઉપરાંત કુલ 1,279 હેક્ટરમાં તુવેરના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં જ 521 હેક્ટરમાં તુવેર, 118 હેક્ટરમાં મગના વાવેતર પૈકી ચોર્યાસી તાલુકામાં જ 45 હેક્ટરમાં મગ, 193 હેક્ટરમાં અડદના વાવેતર પૈકી ઉમરપાડા તાલુકામાં જ 170 હેક્ટરમાં અડદ, 3449 હેક્ટરમાં સોયાબિનના વાવેતર પૈકી માંગરોળ તાલુકામાં જ 3100 હેક્ટરમાં સોયાબિન, 755 હેક્ટરમાં કપાસના વાવેતર પૈકી માંગરોળ તાલુકામાં જ 443 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.