આણંદ : 108 ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 પણ લોકસભા ચૂંટણીની સાથેસાથે યોજાઇ રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણી સાથે સાથે ખંભાત વિધાનસભા બેઠક માટે પણ પેટા ચૂંટણીનું આયોજન કરવાં આવ્યું છે. વર્ષ 2022 માં યોજાયેલી ચૂંટણીથી કોંગ્રેસ માંથી જીતેલા ચિરાગ પટેલે રાજીનામું મૂકી દેતાં પેટા ચૂંટણી યોજાઇ રહી છે.
કોંગ્રેસના એમએલએ રાજીનામું આપતાં બેઠક ખાલી : ચિરાગ પટેલે અચાનક ભારતીય જનતા પાર્ટીના વિચારો અને કાર્ય પ્રણાલીથી પ્રભાવિત થઈને ધારાસભ્ય અને કોંગ્રેસ બન્નેમાંથી રાજીનામુ ધરબી દઈને કેસરીયા કરી લીધા હતાં. જેના કારણે ભાજપ દ્વારા આવતી 108- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ચિરાગ પટેલને જ ખંભાત બેઠક પર ઉમેદવારી કરવા મેદાને ઉતારવામાં આવ્યાં છે. ચિરાગ પટેલની સીધી ટક્કર કોંગ્રેસના મજબૂત પકડ ધરાવતા મહેન્દ્રસિંહ પરમાર સાથે અને કામદારો અને જરુરિયાતમંદો માટે લડત આપનાર સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણ સાથે થવાની છે, જે ખંભાતની પેટ ચૂંટણીને રસાકસીભરી બનાવી દેશે.
06 ઉમેદવારી પત્રો રદ : આગામી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે આગામી તા. 7 મી મેના રોજ મતદાન થનાર છે. ત્યારે 108 ખંભાત વિધાનસભા બેઠક માટે કુલ 10 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 06 ઉમેદવારી પત્રો રદ થયા હતા.
ચૂંટણી પ્રતીકોની ફાળવણી : નોંધનીય છે કે, આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા, 108 ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી જંગમાં 04 ઉમેદવારો રહ્યા છે. આ 04 ઉમેદવારોને ચૂંટણી અધિકારી 108 – ખંભાત વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી ખંભાત સબ ડિવિઝન ખંભાત દ્વારા ચૂંટણી માટે પ્રતીક ફાળવવામાં આવ્યા છે. જેમાં ખંભાત વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં કુલ 04 ઉમેદવાર 1) ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ (ભારતીય જનતા પાર્ટી) – કમળ 2) મહેન્દ્રસિંહ હરિસિંહ પરમાર (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ), - હાથ 3) ચૌહાણ મહિપતસિંહ કેસરીસિંહ (અપક્ષ), - કાચનો પ્યાલો 4) મનુભાઈ જેઠાભાઈ વણકર (અપક્ષ) – ઓટોરિક્ષા.
ભાજપે ચિરાગ પટેલને જ ટિકીટ આપી : ઉલ્લેખનીય છેકે વર્ષ 2022માં વર્ષોથી ભાજપનો ગઢ કહેવાતી ખંભાત વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મયૂર રાવલ સામે પ્રજાના અણગમાં અને સાથે અન્ય પ્રતિસ્પર્ધીઓએ મેળવેલા મતની પણ સીધી અસર બેઠકના પરિણામ પર જોવા મળી હતી. જેનો સીધો લાભ કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પટેલને મળ્યો હતો. પરંતુ ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાંથી જીતેલા ચિરાગ પટેલ ગણતરીના મહિનાઓમાં જ કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયા કરી લેતા ખંભાતવાસીઓએ તેમના પર મૂકેલ વિશ્વાસને રોળીને પક્ષપલટો કરી લીધો હોવાની ચર્ચાઓએ પણ વેગ પકડ્યો હતો. તેવામાં ભાજપમાં આયાતી ઉમેદવાર ચિરાગ પટેલને મેદાને ઉતારવામાં આવ્યાં છે.