જૂનાગઢ : અમદાવાદ-કેશોદ-દીવ-અમદાવાદ રૂટ પર હવે હવાઈ સેવા શરૂ થઈ છે. ખાસ સોમનાથ મંદિરને કેન્દ્રસ્થાને રાખીને વિમાની સેવાનો પ્રારંભ કરાયો છે. સોમનાથ મંદિરના દર્શનાર્થે પ્રથમ ઉડાનમાં કેશોદ આવેલા પ્રવાસીઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ બસથી સોમનાથ મંદિર સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
અમદાવાદ-કેશોદ ફ્લાઈટ : અમદાવાદ-કેશોદ વચ્ચે નવી વિમાન સેવાની શરૂઆત કરવામાં આવી છે. 73 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતું પ્રથમ વિમાન કેશોદ હવાઈ મથક પર ઉતરતા સોમનાથ દર્શને આવેલા તમામ પ્રવાસીઓનું કેશોદ વિમાન મથકમાં કુમકુમ તિલક, ઢોલ અને શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદથી કેશોદ અને દીવ થઈને આ વિમાન પરત અમદાવાદ પહોંચશે. જે અઠવાડિયામાં ત્રણ દિવસ અમદાવાદ કેશોદ વચ્ચે ઉડાન ભરશે.
સોમનાથ મંદિર કેન્દ્રસ્થાને : અમદાવાદ-કેશોદ વચ્ચે નવી વિમાની સેવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને કેન્દ્રસ્થાને રાખીને શરૂ કરવામાં આવી છે. પાછલા ઘણા વર્ષોથી સોમનાથ આવતા દર્શનાર્થીઓ વિમાની સેવાથી વંચિત હતા. જેના કારણે અનેક વખત હવાઈ સેવાની માંગ પણ કરવામાં આવી હતી. ત્યારે દિવાળીના તહેવારો દરમિયાન પ્રથમ વખત 30 કરતાં વધુ પ્રવાસીઓને લઈને વિમાન અમદાવાદથી કેશોદ પહોંચ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ બસ સેવા : અમદાવાદ કેશોદ વચ્ચે શરૂ થયેલ વિમાની સેવા બાદ ખાસ પ્રવાસીઓની સગવડતાને ધ્યાને રાખીને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કેશોદ-સોમનાથ વચ્ચે લક્ઝરી બસ ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેશોદ આવેલા તમામ દર્શનાર્થીઓ આ બસમાં બેસાડી સોમનાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
ફ્લાઈટનો સમય : અમદાવાદ કેશોદ વચ્ચે શરૂ થયેલી વિમાન સેવાનો લાભ અઠવાડિયામાં દર મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ મળશે. અમદાવાદ-કેશોદ ફ્લાઈટ અમદાવાદથી સવારે 10:10 કલાકે ટેક ઓફ કરશે, જે સવારે 10:55 કલાકે કેશોદ આવી પહોંચશે. તે જ રીતે આ વિમાન કેશોદથી બપોરે 1:15 કલાકે ઉડાન ભરશે અને બપોરે 2:30 કલાકે અમદાવાદ પહોંચશે.
ટિકિટ દર : અમદાવાદથી કેશોદ અને કેશોદથી અમદાવાદની વચ્ચે રૂપિયા 2,500 ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત કેશોદથી દિવ જવા માંગતા પ્રવાસીઓ માટે 1,500 રૂપિયા ટિકિટનો દર નક્કી કરાયો છે. પાછલા ઘણા વર્ષોથી સોમનાથને વિમાન સેવા સાથે જોડવાની માંગ હતી, જે આજે પૂર્ણ થઈ છે.