ગાંધીનગર: રાજકોટ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિવેદનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ગાંધીનગરમાં કરણીસેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ બદલી ભાજપમાંથી સસ્પેન્ડ કરવા રાજપૂત સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના ભાષણની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજપૂત સમાજ રોષે ભરાયો છે. ગાંધીનગર રાજપુત વીર સેના ટ્રસ્ટના રતુભા ચાવડાએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજપૂત સમાજ વિશે ઘસાતું બોલ્યા છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. રાજપૂત સમાજે અખંડ ભારત બનાવવા માટે 562 રજવાડાઓ સરકારને આપ્યા છે. પુરુષોત્તમ રૂપાલાનો આગામી દિવસોમાં આખા રાજ્યમાં વિરોધ થશે.
કેમ થઈ રહ્યો છે વિરોધ:
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે. જો કે વીડિયો વાયરલ થતાં પરશોત્તમ રુપાલાએ દિલગીરી વ્યક્ત કરી છે. પરશોત્તમ રુપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજને નીચો દેખાડવાનો મારો આશય નહોતો, હું દિલથી ક્ષત્રિય સમાજની માફી માંગુ છુ. કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરુ છું.
જો કે રાજપૂત સમાજે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજૂર ન હોય તેમ રૂપાલાની ટિકિટ રદ્દ કરી અન્ય કોઈને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને જણાવ્યું હતું કે જો તેમણે માફી માંગવી હોય તો ક્ષત્રિય સમાજના આગેવાનોનું એક મહાસંમેલન બોલાવી અને જાહેરમાં માફી માંગવી પડશે.