અમદાવાદ: કર્ણાવતી શહેર ભાજપ દ્વારા "વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 - મોદી કી ગેરંટી" અભિયાનનો લોન્ચિંગ કાર્યક્રમ અમદાવાદ પશ્ચિમ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતાં.
મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રદેશના તમામ જિલ્લા અને મહાનગર ખાતે અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત પ્રજાજનોના સૂચન લઈને ભાજપ પોતાનું સંકલ્પ પત્ર તૈયાર કરશે. જનતા જનાર્દનની આશા અને અપેક્ષાઓનો સમાવેશ સંકલ્પ પત્રમાં કરવામાં આવશે. 2024ની લોકસભાની ચૂંટણીમાં "એક ભારત શ્રેષ્ઠ ભારત અને સબકા સાથ સબકા વિકાસ"ના નારા સાથે સરકાર લોકો વચ્ચે જશે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ વખતે મોદી કી ગેરંટી થકી અમે લોકો વચ્ચે જઈને સૂચનો માંગી રહ્યા છીએ. આ સૂચનો ફિજિકલ તેમજ ડિજિટલ પદ્ધતિ દ્વારા એકત્ર કરવામાં આવશે. મોદી કી ગેરંટી સૂચના પેટી વિધાનસભા વિસ્તાર સહ સાત જગ્યાઓ પર મુકવામાં આવશે. તે ઉપરાત નાગરિકો 9090902024 નંબર પર મિસકોલ કરીને પણ સુચનો આપી શકશે. નમો એપના માધ્યમથી અને ઇમેઇલથી સૂચનો સ્વીકારવામાં આવશે. આગામી 15મી માર્ચ સુધી સૂચનો ભેગા કરીને પ્રદેશમાં જુદા જુદા 17 વિભાગોમાં વર્ગીકરણ કરી કેન્દ્રીય કક્ષાએ મોકલવામાં આવશે.
15 લાખ જેટલા સૂચનો મેળવવાનો ટાર્ગેટ: વિકસિત ભારત એલઇડી વેન દ્વારા પણ સૂચનો એકત્રિત કરવામાં આવશે. ગુજરાતમાંથી આશરે 15 લાખ જેટલા સૂચનો મેળવવાનો ટાર્ગેટ છે. સમાજ જીવનના વિશિષ્ટ લોકો સાથે સંપર્ક કરવામાં આવશે અને સૂચનો મેળવવામાં આવશે. ભાજપના વિવિધ સેલ દ્વારા સંમેલનો- ગોષ્ઠિઓ યોજીને પણ સૂચનો મેળવવામાં આવશે.