ગાંધીનગર: ગુજરાતમાં આ વખતે પાણીજન્ય કોલેરાના કેસ વધુ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર ઉપરાંત ગાંધીનગર તાલુકાના ગ્રામ્યવિસ્તાર, દહેગામ-કલોલ શહેર તથા દહેગામના અડધા ડઝન જેટલા ગામોમાં કોલેરાના પોઝિટિવ કેસ અગાઉ મળી આવ્યા હતા. ત્યારે એક જ દિવસમાં કલોલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા મહેન્દ્રમીલની ચાલી તથા ગાયોના ટેકરામાંથી એક-એક પોઝિટિવ કેસ સામે આવતા સ્થાનિક તંત્રની સાથે આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવ્યું છે. કલોલનો ગાયનો ટેકરો અને મહેન્દ્રમીલની ચાલી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે.
અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત: ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 માસથી કોલેરાના કેસ મળ્યાં છે. તંત્ર દ્વારા પાણીજન્ય રોગ અટકાવવા માટે પગલાં ભરાયાં બાદ પણ ટૂંકાગાળામાં ફરીથી કોલેરાને કેસ મળી આવતાં હેલ્થ વિભાગ દોડતું થયું છે. જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લઈને રોગચાળો અટકાવીને સ્થિતિ કાબૂમાં લેવા માટે સંબધીત અધિકારીઓને આદેશ કર્યાં હતાં. વારંવાર આ પ્રકારે કોલેરાના કેસ મળી આવતાં હોવાથી પાણીના સુપર ક્લોરીનેશન અને લીકેજ શોધવા માટે પણ કલેક્ટરે ટકોર કરી હતી.
ચીફ ઓફિસરનો ઉધડો: નાગરિકોને ક્લોરિનેશન કર્યા બાદ જ પિવાનું પાણી આપવાના આદેશ હોવા છતાં પાણીજન્ય રોગચારો વકરવાની સમસ્યાં જોવાં મળી છે. મહેન્દ્ર મીલ અને ગાયનો ટેકરો વિસ્તારમાંથી કોલેરાના કેસ નોંધાયા છે. પિવાના પાણીના સેમ્પલની ચકાસણી દરમિયાન પાણી પિવાલાયક ન હોવાનું ધ્યાને આવતાં કલેક્ટરે સ્થળ પર જ ચીફ ઓફિસરનો ઉધડો લઈ લીધો હતો અને દરેક વિસ્તારમાં શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટેના પગલાં ભરવા માટે આદેશ આપ્યાં હતાં.
અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર સામે કાયદેસરના પગલાં: જ્યારે બુધવારે 20 જેટલાં ઝાડા ઉલ્ટીના કેસ પણ મળી આવ્યા હતાં. દર્દીઓને સારવાર મળી રહે તે માટે કલોલ આરોગ્ય કેન્દ્રમાં ફિઝીશીયન અને બાળરોગ નિષ્ણાંતને ફરજ પર રાખવામાં આવ્યાં છે. તેમજ 24 કલાક આરોગ્ય કેન્દ્રમાં સુવિધા મળી રહે તે પ્રકારના પગલાં ભરવામાં આવ્યાં છે. પાણીપુરી ખાવાના કારણે કલોલમાં ફરીથી કોલેરાના કેસ નોંધાતાં અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીપુરી સહિત ખુલ્લા અને અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી લારીઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ફુડ તંત્રને પણ આ બાબતે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. જેથી કરીને આગામી દિવસોમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને દવા આપવા સહિત ક્લોરીન અને ઓઆરએસની ટેબલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.