જૂનાગઢ: સોના, ચાંદી, હીરા-ઝવેરાત રૂપિયા કે કીમતી વસ્તુની નહીં પરંતુ જૂનાગઢમાં રમકડાની ચોરી થયાનો કિસ્સો સામે આવ્યો છે. માંગનાથ બજારના રમકડાની દુકાનના માલિક મિરલબેન ધોળકિયા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં રમકડાની ચોરી થયાની અરજી આપવામાં આવી છે. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.
કિમતી વસ્તુની નહી રમકડાની થઈ ચોરી: જૂનાગઢમાં અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હીરા-ઝવેરાત, રોકડ, દાગીના કાર કે કોઈ કીમતી ચીજ વસ્તુઓની ચોરી નહીં પરંતુ બાળકને રમવાના રમકડાની ચોરી થયાની અરજી એ ડિવિઝન પોલીસ મથકમાં કેસ એન્ડ કેરી નામની રમકડાની દુકાનના માલિક મિરલબેને એ ડિવિઝન પોલીસ મથકમાં આપી છે. દુકાનના માલિકની અરજીને આધારે જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથક દ્વારા રમકડાની ચોરી કરનાર મહિલાની શોધ કરવામાં આવી છે.
ચોરી કરનાર મહિલા કેમેરામાં કેદ: કેસ એન્ડ કેરી નામની રમકડાની દુકાનના માલિક મિરલબેને અરજી આપી છે અને તેમાં ઉલ્લેખ કરાયો છે તે મુજબ 16 તારીખની રાત્રિના 8:30 વાગ્યા બાદ તેઓ કોઇ કામ અર્થે દુકાનની બહાર ગયા હતા. એ સમયે દુકાનમાં તેમના પિતા હતા. જેની એકલતાનો લાભ લઈને દુકાનના ડિસ્પ્લે પર રાખેલ શોપીસ તરીકે રાખેલા રમકડા કે, જેની કિંમત 700 રૂપિયાની આસપાસ થાય છે તેની ચોરી થઇ હતી. આ સમગ્ર મામલામાં બજારમાં રાખવામાં આવેલ સીસીટીવી કેમેરામાં રમકડાની ચોરી કરતી એક મહિલા આબાદ ઝડપાઈ ગઈ છે. જે સુખી સંપન્ન પરિવારની હોવાનું પણ વીડિયોમાં લાગી રહ્યું છે. આ સમગ્ર મામલામાં એ ડિવિઝન પોલીસે રમકડાની દુકાનના માલિકની અરજીને આધારે તપાસ શરૂ કરી છે.