જૂનાગઢઃ યુવા મતદારો માટે પ્રેરણારુપ કિસ્સો જૂનાગઢમાં જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં મતદાન 7મી મેના રોજ થવાનું છે. આ દિવસે વર્ષ 1980માં લગ્ન કરનાર વસાવડા દંપતિ તેમના લગ્નની 45મી વર્ષગાંઠ મતદાન કર્યા બાદ ઉજવશે. વસાવડા દંપતિનો આ નિર્ણય યુવા મતદારો માટે પ્રેરણાદાયી છે.
પહેલા મતદાન પછી લગ્ન વર્ષગાંઠની ઉજવણીઃ જૂનાગઢમાં રહેતા વસાવડા પરિવારના જગદીશભાઈ અને મીનાક્ષીબેન 7મી મેના રોજ મતદાન કરવા થનગની રહ્યા છે. તેમના માટે મતદાનનો દિવસ ખાસ છે કારણ કે, આ દિવસે વર્ષ 1980માં તેમના લગ્ન થયા હતા. વર્ષ 2024માં 7મી મેના રોજ તેમના લગ્નજીવનની 44મી વર્ષગાંઠ છે. તેઓ બંને મતદાન કરીને આ વર્ષગાંઠની અનોખી ઉજવણી કરવાના છે. કોઈપણ દંપતી માટે તેમના લગ્ન જીવનની તિથિ જીવનમાં મહત્વપૂર્ણ હોય છે. જૂનાગઢનુ આ વસાવડા દંપતી 7મી તારીખે મતદાન કરીને લોકશાહીના મહાપર્વને તેમના જીવનની લગ્ન વર્ષગાંઠ સાથે સાંકળીને અનોખી રીતે ઉજવશે.
મતદાન માટે દંપતિનો ઉત્સાહ અનેરોઃ જૂનાગઢમાં રહેતા જગદીશભાઈ વસાવડાએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે તમામ મતદાનના દિવસે મતદાન કર્યુ છે પરંતુ આ વર્ષે 7મી મેના દિવસે એક અનોખો સંયોગ રચાવા જઈ રહ્યો છે. જેને કારણે અમે ખૂબ જ ઉત્સાહિત છે. અમારી લગ્ન તિથિ અને મતદાન આ વર્ષે એક જ દિવસે છે. તેથી અમે મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. 7મી મેના રોજ મતદાન કરીને અમે લગ્નજીવનના 45મા વર્ષ પ્રવેશની એક અનોખી ઉજવણી કરીશું.